નરેન્દ્ર મોદીનો આજે શપથવિધિ સમારોહ; બીજી મુદતનો કરશે શુભારંભ

નવી દિલ્હી – નરેન્દ્ર મોદી એમની બીજેપી-એનડીએ સરકારની બીજી મુદત માટે વડા પ્રધાન તરીકે આજે શપથ ગ્રહણ કરશે. આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્ધારિત સમારોહમાં વિરોધ પક્ષોના નેતાઓ, તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો, શાસક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ સહિત 6000 જેટલા મહેમાનો આ સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી અને એમના સાથી પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવશે.

શપથવિધિ સમારોહમાં BIMSTEC (બૅ ઓફ બેંગાલ ઈનિશીએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) સમૂહના દેશોના વડાઓને પણ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન છે.

આજનો સમારોહ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં નહીં, પણ પ્રાંગણમાં યોજવામાં આવશે.

મોદી આ બીજી વાર વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. પહેલી વાર, 2014ની 26 મેએ એમણે શપથ લીધા હતા. એ સમારોહની સરખામણીમાં આજનો સમારોહ સાદાઈપૂર્વકનો રહેશે.

2014માં પણ મોદીનો શપથવિધિ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. એ વખતે એમની સાથે 24 કેબિનેટ પ્રધાનો તથા 21 રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા.

આઝાદ ભારતના ઈતિહાસમાં આ ચોથો પ્રસંગ હશે જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ ગ્રહણ કરશે. પ્રાંગણ એ રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય પ્રવેશદ્વારો અને મુખ્ય ઈમારતની વચ્ચે આવેલો ભાગ છે. સામાન્ય રીતે ભવનના આ ભાગનો ઉપયોગ કોઈ વિદેશી રાષ્ટ્રના વડા ભારતની મુલાકાતે આવે ત્યારે એમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે કરાતો હોય છે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેનાર મોદી પૂર્વેના બે વડા પ્રધાન છે – અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખર.

રાષ્ટ્રપતિ કોવિંદ અને મોદી, બંનેની ઈચ્છાને કારણે આજનો સમારોહ સાદાઈપૂર્વકનો રાખવામાં આવનાર છે.

શપથવિધિ સમારોહ બાદ આમંત્રિત મહેમાનોને ચા-નાસ્તો પીરસવામાં આવશે જેમાં ચા-કોફી સાથે સમોસા, રાજભોગ હશે. શપથવિધિ સમારોહ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહેમાનો માટે ભોજન સમારંભ (હળવું ડિનર) યોજવામાં આવશે, જેમાં શાકાહારી અને માંસાહારી, બંને પ્રકારની વાનગીઓ હશે. 600 જેટલા ટોચના મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનની અંદર ડિનર આપવામાં આવશે જ્યારે અન્ય મહેમાનો માટે પ્રાંગણમાં જમવાની વ્યવસ્થા કરાશે.

2014ના શપથવિધિ સમારોહ વખતે 3,500 જેટલા મહેમાનોને આમંત્રિત કરાયા હતા. એ વખતે SAARC સમૂહના દેશોનાં વડાઓને આમંત્રિત કરાયા હતા, જેમાં પાકિસ્તાનના તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફનો પણ સમાવેશ કરાયો હતો.

આ વખતના સમારોહમાં દેશના ફિલ્મ ઉદ્યોગ ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્ર અને પ્રચારમાધ્યમોની જાણીતી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવનાર છે. આમંત્રિતોમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓ, શાહરૂખ ખાન જેવા ફિલ્મ કલાકારો અને રાહુલ દ્રવિડ જેવા રમતવીરોનો સમાવેશ થાય છે.