બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં મહારાષ્ટ્રના આદિવાસીઓ, જમીન આપવાથી કર્યો ઈનકાર

પાલઘર-કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકી એક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યોજના ઓગસ્ટ-2022 સુધીમાં પૂર્ણ થશે. પરંતુ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અટકતો જોવા મળી રહ્યો છે. આનું કારણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મુદ્દે સ્થાનિક સમુદાયો અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ છે. પાલઘર જિલ્લાના 70થી વધુ આદિવાસી ગામોના લોકોએ આ પ્રોજેક્ટ માટે જમીન આપવાનો ઈનકાર કર્યો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાંથી પસાર થતા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે મોટા વિરોધની તૈયારી પણ શરુ કરી છે.દેશના પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર જાન્યુઆરી-2019થી કામ શરુ કરવાનું આયોજન છે. અને કેન્દ્ર સરકારે 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોર માટે આ વર્ષના અંત સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. મુંબઈ અને અમદાવાદને જોડતા આ હાઈસ્પીડ રેલ કોરિડોરનો લગભગ 110 કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પસાર થાય છે. રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ‘મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં અમારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં અમે આશા રાખીએ છીએ કે, આ પ્રોજેક્ટ પર કાર્ય પૂર્વ નિર્ધારિત સમયમર્યાદામાં શરુ કરી દેવામાં આવશે. જમીન સંપાદન માટે અમે ખેડૂતોને 5 ગણા વધુ ભાવ ચૂકવવાની ઓફર કરી રહ્યા છીએ’.

આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 1400 હેક્ટર જમીનનું અધિગ્રહર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર રુપિયા 10 હજાર કરોડનો ખર્ચ થવાની ધારણા છે. રેલવેના અધિકારીએ જણાવ્યું કે, પાલઘર જિલ્લાના કેટલાક ગામોમાં 200 હેક્ટર જમીનના સંપાદનને લઈને વિરોધ છે. તેમાંના મોટા ભાગના ગામ આદિવાસી ગામ છે. જ્યાં વિકાસ થયો જ નથી. સ્થાનિક રાજકારણ પણ અહીં વિરોધને પ્રોત્સાહન આપે છે. જ્યારે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે મહત્વનો છે સાથે જ સ્થાનિક વિકાસ માટે પણ મહત્વનો બની રહેશે.