મોદી જિનપિંગ વચ્ચે ચાય પે ચર્ચા, પંચશિલના સિદ્ધાંતો પર ચાલવા ચીન તૈયાર

બેઈજિંગઃ ભારતના વડાપ્રધાન મોદીના ચીન પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 3જી વાર મુલાકાત થઈ. આજે સવારના સમયે બંન્ને નેતાઓએ તળાવના કિનારે ટહેલતા-ટહેલતા ચર્ચા કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ ત્યાંની સ્પેશિયલ ચા નો પણ આસ્વાદ માણ્યો હતો અને સાથે જ લેકમાં બોટિંગ પણ કર્યું હતું.

પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા દરમિયાન મોદીએ જિનપિંગને કહ્યું છે કે, દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે ભારત-ચીન મોટી ભૂમિકા નિભાવશે. બંને દેશોમાં દુનિયાની 40 ટકા વસ્તી રહે છે. આપણી પાસે આપણાં લોકોનું કામ કરવાની સાથે સાથે દુનિયા માટે પણ કામ કરવાનો અવસર છે. આપણે વિશ્વ શાંતિમાં મહત્વની ભૂમિકા નિભાવી શકીએ છીએ. અનઔપચારિક બેઠકની પરંપરા શરૂ કરતા મોદીએ આવતા વર્ષે જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.

ગઈકાલે ડેલિગેશન વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીનની સામે 21મી સદીની પંચશીલની નવી વ્યાખ્યા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આપણે સમાન વિઝન, મજબૂત સંબંધો, સમાંતર સંકલ્પ, સારો સંવાદ અને સમાન વિચાર વાળા આ પંચશીલના રસ્તા પર ચાલીશું તો તેનાથી વિશ્વશાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આવશે.

વડાપ્રધાન મોદીની આ વાત પર શી જિનપિંગે કહ્યું કે તેમનો દેશ મોદીએ જણાવેલા પંચશીલના આ નવા સિદ્ધાંતોથી પ્રેરણા લઈને ભારત સાથે સહયોગથી કામ કરવા માટે તૈયાર છે.  નોંધનીય છે કે, આ પહેલાં ચીન અને ભારત વચ્ચે પંચશીલ સમજૂતી વિશે 31 ડિસેમ્બર 1953 અને 29 એપ્રિલ 1954માં બેઠક થઈ હતી. ત્યારપછી બેઈજિંગમાં આ વિશે સમજૂતી કરાર પણ થયા હત.

વડાપ્રધાન મોદીએ જણાવેલા પંચશીલના નવા સિદ્ધાંતોની વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
– એક બીજાની અંખડતા અને સંપ્રભુતાનું સન્માન કરવું.
–  પરસ્પર આક્રમકતાથી બચવું.
–  એક બીજાના આંતરિક મામલે હસ્તક્ષેપ ન કરવો.
–  સમાન અને પરસ્પર લાભકારી સંબંધી
–  શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ