ચૂંટણી જીતવા પીએમ મોદીએ બૂથ કાર્યકર્તાઓને આપ્યા આ મંત્ર

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે નમો એપના માધ્યમથી રુબરુ થઈ રહ્યાં છે. હાલમાં વડાપ્રધાન મોદીએ મછલીશહર, રાજસમંદ, સતના અને બૈતુલ શહેરના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી.નમો એપના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે રુબરુ થતાં પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને કહ્યું કે, શું મોબાઈલ ફોનની શોધ 2014 પછી થઈ હતી? 2014 પહેલા પણ મોબાઈલ હતાં. જે લોકોએ આટલા વર્ષો સુધી રાજ કર્યું તેમના સમયમાં ફક્ત બે જ મોબાઈલ ફેક્ટરી કેમ હતી?

વધુમાં તેમણે કહ્યું કે, આજે આ લોકો OROPની વાતો કરી રહ્યાં છે. દશકોથી આ મામલો પેન્ડિંગ હતો. ત્યારે કેમ કંઈ કર્યું નહીં. જ્યારે અમારી સરકારે OROP લાગૂ કર્યું ત્યારે તેઓ કહી રહ્યાં છે કે, અમે OROPનો લાભ આપીશું.

પીએમ મોદીએ કહ્યું કે, ‘હું લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે એ વાતનો હમેશાથી આગ્રહ રાખું છું’. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, તમને જાણીને આનંદ થશે કે, આજે લાખો કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી કરોડો ભારતીયોનું જીવન સરળ થયું છે, એટલું જ નહીં તેમનું ભવિષ્ય પણ સુધરી રહ્યું છે.

આગામી ચૂંટણીઓને લઈને વડાપ્રધાને કહ્યું કે, આપણા ત્રણ એજન્ડા હોવા જોઈએ. પ્રથમ વિકાસ. બીજો ઝડપી ગતિએ વિકાસ અને ત્રીજો સૌને માટે વિકાસ. પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને કારણે જ આજે વિકાસનો મુદ્દે દેશમાં ચૂંટણી એજન્ડા બની ગયો છે.