દુનિયાને મળશે ‘નમો મંત્ર’, WEFમાં ભાગ લેવા પીએમ મોદી દાવોસ રવાના

નવી દિલ્હી- વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં (WEF) ભાગ લેવા માટે આજે સવારે પીએમ મોદી સ્વિત્ઝરલેન્ડના દાવોસ જવા રવાના થઈ ગયા છે. અહીં પીએમ મોદી કાર્યક્રમના ઉદઘાટનમાં પ્રારંભિક સંબોધન પણ કરશે. પીએમ મોદી વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરશે અને ભારતની મજબૂત થઈ રહેલી અર્થવ્યવસ્થા અને ભારતમાં વધી રહેલી રોકાણની સંભાવનાઓ અંગે વિશ્વને અવગત કરાવશે. આશરે બે દાયકા બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતના પીએમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપશે.MODI IN DAVOSદાવોસ જતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના એજન્ડા અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, દાવોસમાં પોતાના કાર્યક્રમ દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ભારતના સંબંધો વધુ મજબૂત કરવા પર ભાર આપશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના નેતાઓએ વિશ્વ સમક્ષ ભવિષ્યમાં આવનારા અને હાલના પડકારો અંગે અત્યારથી જ સતર્ક રહેવું પડશે.

દાવોસ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના અન્ય દેશો સાથે ભારતના સંબંધોનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં ફક્ત રાજકીય સંબંધો જ નહીં પરંતુ આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક સહિત અન્ય મુદ્દાઓ અંગે પણ ભારતના અન્ય દેશો સાથે સંબંધો મજબૂત થયા છે.