જાતીય સતામણીના આરોપોને કારણે એમ.જે. અકબરે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી – વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન એમ.જે. અકબરે એમની વિરુદ્ધ જાતીય સતામણીના કરાયેલા આરોપોને પગલે આજે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.

એમણે પોતાનું રાજીનામું વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને મોકલી આપ્યું છે.

અકબરે તેઓ જ્યારે પત્રકારત્વમાં ત્યારે જાતીય સતામણી અને છેડતી કરી હોવાનો 20 મહિલાઓએ આરોપ મૂક્યો છે.

દેશભરમાં શરૂ થયેલા અને વ્યાપક બનેલા MeToo આંદોલન અંતર્ગત મહિલા પત્રકાર પ્રિયા રામાની સહિત 16 મહિલાઓએ અકબર વિરુદ્ધ જાહેરમાં આરોપ મૂક્યો હતો.

પોતાના રાજીનામા પત્રમાં અકબરે લખ્યું છે કે, મેં અંગત રીતે કોર્ટમાં ન્યાય મેળવવાનો નિર્ણય લીધો છે. મને રાજીનામું આપવાનું અને મારી સામે કરવામાં આવેલા ખોટા આરોપોને પડકારવાનું મને યોગ્ય લાગ્યું છે. તેથી મેં વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો હૃદયપૂર્વક આભારી છું કે એમણે મને દેશની સેવા બજાવવાની તક આપી હતી.

અકબર 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને નરેન્દ્ર મોદી સરકારમાં પ્રધાન બન્યા એ પહેલાં પત્રકારના વ્યવસાયમાં હતા. તેઓ ધ ટેલીગ્રાફ અને એશિયન એજ જેવા અખબારોના તંત્રી હતા.