દેશભરમાં ‘મોદીનું મોજું’ 2014 કરતાં અત્યારે વધારે મજબૂત છેઃ પીએમ મોદીનો દાવો

કઠુઆ (જમ્મુ અને કશ્મીર) – મોદીનું મોજું 2014માં હતું એના કરતાં પણ અત્યારે આખા દેશમાં વધારે મજબૂત રીતે ફેલાયેલું છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે.

અહીં એક ચૂંટણી રેલીમાં મોદીએ કહ્યું કે હું દેશભરમાં ફર્યો છું. મને લાગે છે કે 2014 કરતાં પણ અત્યારે દેશભરમાં વધારે શક્તિશાળી મોદી મોજું ફરી વળ્યું છે. તમામ સર્વેક્ષણોએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં ભાજપ ત્રણ ગણી વધારે બેઠક જીતશે.

કોંગ્રેસના બચવાની તક ઘણી જ મુશ્કેલ બની ગઈ છે, એમ પણ મોદીએ કહ્યું.

વિરોધ પક્ષોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે કેટલાક લોકો મને એટલી હદે ધિક્કારે છે કે એ લોકો રાષ્ટ્રવાદીને એક અપશબ્દ સમજે છે.

ગઈ 11 એપ્રિલે જમ્મુ અને કશ્મીર રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં લોકો મોટી સંખ્યામાં વોટ આપવા માટે બહાર આવ્યા એની મોદીએ પ્રશંસા કરી હતી.

એમણે કહ્યું કે, રાજ્યની જનતાએ ભારતીય લોકશાહીની તાકાતનો પુરાવો આપ્યો છે. જમ્મુ અને બારામુલ્લામાં મોટા પાયે વોટિંગ કરીને તમે લોકોએ ત્રાસવાદીઓ અને તકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

મોદીએ કહ્યું કે, ચૂંટણીઓ અને નેતાઓ તો આવશે ને જશે, પણ દેશ કાયમ રહેશે.