મોદી આજથી મેદાનમાંઃ જમ્મુ-કશ્મીરથી શરુ કરશે ચૂંટણી પ્રચાર

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 માર્ચે એટલે કે આજે જમ્મુ-કશ્મીરથી લોકસભા ચૂંટણી કેમ્પેઈનની શરુઆત કરશે. ભાજપના રાષ્ટ્રીય સચીવ રામ માધવે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આજે જમ્મુ-કશ્મીરના એક દિવસના પ્રવાસે આવશે, અહીંથી તેઓ ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. રામ માધવે કહ્યું કે, ચૂંટણી ઝૂંબેશની શરુઆત માટે મોદી સૌથી પહેલાં જમ્મુ-કશ્મીર જશે, આ પગલું જમ્મુ-કશ્મીર પ્રદેશ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

માધવે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર સીધું નિશાન તાકતાં કહ્યું કે, આ પાર્ટીઓએ નગર નિગમ અને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ હવે જ્યારે સંસદીય ચૂંટણી આવી તો, એ જ નેતાઓ ચૂંટણી લડવા માટે ઉભા થયાં છે. આ નેતાઓ લોકતંત્રને મજબૂત કરવા નથી માગતાં તેઓ માત્ર તેમની સીટ બચાવવા માગે છે. માધવે વધુમાં કહ્યું કે, અમે જમ્મુ અને કશ્મીરમાં જલદી વિધાનસભાની ચૂંટણી યોજાય તેવું ઈચ્છએ છીએ.

માધવે કહ્યું કે, કલમ 370 અને 35એ પર તેમનું વલણ પહેલાંની જેમ જ યથાવત છે. એનસી અને કોંગ્રેસના ગઠબંધન  પર નિશાન સાધતાં કહ્યું છે કે આ બંને પક્ષો ફક્ત ચૂંટણી લાભો માટે અલગતાવાદી પક્ષો અને આતંકવાદી સંગઠનોની હિમાયત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એનસીનો એક નેતા પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. આ પ્રકારના નારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તે કોઈ પણ કીમતે સહન કરવામાં ન આવે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બંને પક્ષોની હાર નિશ્ચિત છે. સાથે ભાજપનો સ્પષ્ટ મત છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં થવી જોઇએ. આ સંબંધમાં પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ પણ માગ કરી છે.