કર્ણાટક ચૂંટણી પરિણામઃ મોદી, રાહુલે મતદારોનો આભાર માન્યો

નવી દિલ્હી – કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, તે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે રાજ્યના મતદારોનો આભાર માન્યો છે.

મોદીએ અહીં ભાજપના મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે કોંગ્રેસે એવી માન્યતા ઊભી કરી હતી કે ભાજપ માત્ર હિન્દીભાષી રાજ્યોની જ પાર્ટી છે. શું ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને ઈશાન ભારતના રાજ્યો હિન્દીભાષી છે? ના. ભાજપ તો સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકના લોકોએ એ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે જેમણે આવી માન્યતા ઊભી કરી હતી અને આપણા વિશે ગેરમાહિતી ફેલાવી હતી.

રાહુલે કોંગ્રેસના મતદારોનો આભાર માન્યો

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્ણાટકના એ મતદારોનો આભાર માન્યો છે જેમણે કોંગ્રેસને વોટ આપ્યો છે. રાહુલે કહ્યું છે કે અમારી પાર્ટી અમને વોટ આપનારાઓ માટે લડશે.

રાહુલે ચૂંટણી માટે સમર્પણની ભાવના બતાવનાર અને સખત પરિશ્રમ કરનાર પક્ષના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે.

કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ ચુકાદો આવ્યો છે. ગઈ વિધાનસભામાં શાસન કરનાર કોંગ્રેસને 78 બેઠક મળી છે. ગયા વખતની ચૂંટણી કરતાં 44 ઓછી. જ્યારે ગયા વખતની ચૂંટણીમાં 40 બેઠક જીતનાર ભાજપ 104 બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બન્યો છે. ત્રીજા સ્થાને છે જનતા દળ (સેક્યૂલર), જેણે 37 બેઠક જીતી છે. ગયા વખતની ચૂંટણીમાં આ પાર્ટીએ 40 બેઠક જીતી હતી.

સ્વબળે સરકાર રચવા માટે કોઈ પણ પક્ષે 112 બેઠક જીતવી પડે. ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ પોતાની સરકાર રચવાનો ગવર્નર વજુભાઈ વાળા સમક્ષ દાવો નોંધાવ્યો છે, તો કોંગ્રેસે જાહેરાત કરી છે કે એ જેડીએસને બિનશરતી ટેકો આપશે અને જેડીએસના નેતા એચ.ડી. કુમારસ્વામી (58)ને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારે છે. જેડીએસ કરતાં વધારે બેઠકો જીતી હોવા છતાં મુખ્ય પ્રધાન પદ જતું કરીને કોંગ્રેસે ચતુરાઈભરી ચાલ ખેલી છે. તેનો ઈરાદો ભાજપને આ રાજ્યમાં સત્તા હાંસલ કરતા રોકવાનો છે.