11 કરોડ ‘આયુષ્યમાન કાર્ડ’થી ઘર-ઘર પહોંચશે મોદી સરકાર, ગામડાઓને પ્રાથમિકતા

નવી દિલ્હી- આયુષ્યમાન ભારત યોજનાને સફળ બનાવવા અને ઘર-ઘર સુધી પહોંચાડવા મોદી સરકાર ઉત્સાહથી કામ કરી રહી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર 11 કરોડ જેટલા ‘ફેમિલી કાર્ડ્સ’ છપાવી રહી છે જેને લોકો સુધી હાથોહાથ પહોંચાડવામાં આવશે.કેન્દ્ર સરકાર દેશના ગામડાઓમાં ‘આયુષ્યમાન પખવાડિયા’નું આયોજન કરવા વિચારી રહી છે. મળતી માહિતી મુજબ ‘આયુષ્યમાન પખવાડિયા’ દરમિયાન ઉપભોક્તાઓને કાર્ડ આપવામાં આવશે. એટલું જ નહીં આ યોજનાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કેન્દ્ર સરકાર રાજધાની દિલ્હીમાં 27*7 કોલ સેન્ટર પણ બનાવશે. જ્યાં આ મેડિકલ ઈન્શોરન્સ યોજના સાથે જોડાયેલી લોકોની ફરિયાદ સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ લાવવાના ઉપાયો પણ બતાવવામાં આવશે.

આયુષ્માન ભારત રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજનાના CEO ઈન્દુ ભૂષણે જણાવ્યું કે, યોજના સાથે જોડાયેલી તમામ તૈયારી આગામી 15 ઓગસ્ટ સુધીમાં પુર્ણ કરી લેવાની સરકારની યોજના છે. જોકે મોદી સરકાર તરફથી યોજનાની સત્તાવાર લોન્ચિંગની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

‘ફેમિલી કાર્ડ’ પર આ યોજનાના પાત્ર સભ્યોના નામ હશે. કાર્ડ સાથે દરેક વ્યક્તિના નામવાળો પત્ર આપવામાં આવશે. જેમાં આયુષ્યમાન ભારત યોજનાની વિશેષતાઓ જણાવવામાં આવશે. લાભાર્થીઓને QR કોડ સાથેના પત્રો આપવામાં આવશે. જેને સ્કેન કરવામાં આવશે.

યોજનાના CEO ઈન્દુ ભૂષણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ વિસ્તારોમાં 80 ટકા લાભાર્થી અને શહેરી વિસ્તારોમાં 60 ટકા લાભાર્થીઓની પસંદગી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ માટે કરી લેવામાં આવી છે.