‘સ્પેસવોર’ના અણસાર! મોદી સરકારે બનાવી નવી સંસ્થા, DSRA કરશે આ કાર્યો…

નવી દિલ્હી- જમીન, પાણી અને અંતરિક્ષમાં પોતાનું મજબૂત સૈન્ય સામર્થ્ય ધરાવતા ભારત હવે અંતરિક્ષ યુદ્ધની તૈયારીની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષ યુદ્ધની આશંકાને જોતાં મોદી સરકારે તેમની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકાર આ દિશામાં મોટું પગલું ભરતાં અંતરિક્ષ યુદ્ધ સાથે જોડાયેલી ટેકનોલોજી અને હથિયાર પ્રણાલીના નિર્માણ માટે નવી એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. આ એજન્સીનું નામ ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી (DSRA) રાખવામાં આવ્યું છે. જે ઉચ્ચ ક્ષમતા ધરાવતાં આધુનિક હથિયારો અને ટેક્નોલોજીનું નિર્માણ કરશે.

સંરક્ષણ મંત્રાલયના સુત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષાને લઈને કેબિનેટ કમિટી (CCS) એ નવી એજન્સીની રચનાને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, ભારતે એવા સમયે સ્પેસ વોરના ખતરા પર ફોક્સ કર્યું છે જ્યારે અમેરિકા પહેલાથી જ 2020 સુધીમાં સ્પેસ ફોર્સ બનાવવાની જાહેરાત કરી ચૂક્યું છે. અમેરિકાના આ નિર્ણયથી ચીનનું ટેન્શન વધી ગયું છે.

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ જ સરકારમાં ઉચ્ચસ્તર પર ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી (DSRA)ડીએસઆરની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર બાદ જોઈન્ટ સેક્રેટરી સ્તરના વૈજ્ઞાનિકની દેખરેખ હેઠળ એજન્સીની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ એજન્સી ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી DSAને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મદદ કરશે. DSAમાં ત્રણેય સેનાઓના સભ્યો સામેલ છે. અંતરિક્ષ યુદ્ધમાં દેશની મદદ કરવા માટે આ એજન્સી DSAનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચમાં ભારતે અંતરિક્ષમાં તેમની એન્ટી સેટેલાઈટ ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું. આ પરિક્ષણમાં ભારતે અંતરિક્ષમાં મિસાઈલને તોડી પાડવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

સમાચાર એજન્સીનું કહેવું છે કે, એર માર્શલ રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ બેંગ્લુરુમાં ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી (DSRA)ની સ્થાપના કરવામાં આવી રહી છે. આ એજન્સી આગામી સમયમાં દેશની ત્રણેય સેનાઓની અંતરિક્ષ સંબંધિત ક્ષમતાઓની જગ્યા લેશે. મહત્વનું છે કે, અંતરિક્ષ અને સાયબર હુમલાઓ સામે લડવા માટે મોદી સરકારે હાલના વર્ષોમાં વિશેષ તૈયારી કરી છે, અને તેના હેઠળ કેટલીક એજન્સીઓની પણ સ્થાપના કરી છે. આ સાથે જ દેશની અંદર અને બહાર બંન્ને તરફના ખતરાનો સામનો કરવા માટે સ્પેશિઅલ ઓપરેશન્સ ડિવિઝન પણ બનાવવામાં આવી રહ્યું છે.