વડા પ્રધાન મોદીએ એમનો ફિટનેસ ચેલેન્જ વિડિયો શેર કર્યો

0
1621

નવી દિલ્હી – દેશમાં સેલિબ્રિટી લોકોમાં જામી પડેલી ફિટનેસ ચેલેન્જમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝુકાવી દીધું છે. એમણે પોતાનો ફિટનેસ ચેલેન્જ વિડિયો એમના ટ્વિટર પેજ પર શેર કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ચેલેન્જ અંતર્ગત વડા પ્રધાન મોદીને નોમિનેટ કર્યા હતા અને પોતાના ફિટનેસ ચેલેન્જ વિડિયોમાં પીએમને ટેગ કર્યા હતા. વડા પ્રધાને કોહલીની ચેલેન્જનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે પોતે ટૂંક સમયમાં જ પોતાનો ફિટનેસ વિડિયો શેર કરશે, જે એમણે આજે શેર કર્યો છે.

મોદીએ આ સાથે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા છે.

વિડિયોમાં પીએમ મોદીને એમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સવારના સમયમાં પ્રાણાયમ સહિત અનેક પ્રકારની યોગવિદ્યા તેમજ કસરતો કરતા જોઈ શકાય છે.

મોદીએ કુમારસ્વામી ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલો જીતનાર ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રા અને 40થી વધુ ભારતીય પોલીસ અધિકારીઓને પણ આ ફિટનેસ ચેલેન્જ પાસ-ઓન કરી છે. મનિકા બત્રાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે.