દરેક ગામડામાં વીજળી પહોંચાડી છે, હવે દરેક ઘરમાં પહોંચાડવાનું અમારું લક્ષ્ય છેઃ પીએમ મોદી

ચામરાજનગર (કર્ણાટક) – કર્ણાટક વિધાનસભાની આગામી ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમાં આજથી જોશપૂર્વક ઝૂકાવી દીધું છે. ભાજપને જીતાડવા માટે એમણે આજથી ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે.

આજે અહીં યોજેલી ચૂંટણી સભામાં એમણે કહ્યું કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ વાવાઝોડાની જેમ છવાઈ જશે.

વડા પ્રધાને પોતાના ભાષણની શરૂઆત કન્નડ ભાષાના વાક્યો સાથે કરી હતી. એમણે કહ્યું કે, આજે તમારા રાજ્યમાં મારી આ પહેલી ચૂંટણી સભા છે, પણ એવું લાગે છે કે કર્ણાટકમાં ભાજપનું વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. આજે વિશ્વ કામદાર દિવસ છે, મહેનત કરનાર લોકોએ જ આ દેશને બનાવ્યો છે.

વડા પ્રધાને કહ્યું કે, 28 એપ્રિલની તારીખ દેશના ઈતિહાસમાં અંકિત થઈ ગઈ છે, કારણ કે હવે આખા દેશના તમામ ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે.જે 18 હજાર ગામડાઓમાં વીજળી નહોતી, ત્યાં પણ એ પહોંચી ગઈ છે. હવે અમારું લક્ષ્ય પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે.

વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે જે લોકો અમને ગાળો દે છે એમને હું પૂછવા માગું છું કે એવું કયું કારણ છે કે દેશ આઝાદ થયો એના 70 વર્ષ પછી પણ કરોડો ઘરોમાં વીજળી નથી. દેશમાં હજી 25 કરોડ પરિવારોમાંથી 4 કરોડને ત્યાં વીજળી નથી. અમે એ તમામને વીજળી આપીશું.

કર્ણાટકમાં 2014માં 39 ગામડા એવા હતા જ્યાં વીજળી પૂરવઠો પહોંચી શક્યો નહોતો. એ તમામ ગામડાઓમાં આજે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વીજળી પહોંચી ગઈ છે, પરંતુ કોંગ્રેસે જવાબ આપવો જોઈએ કે એની પહેલાં 10 વર્ષમાં માત્ર બે જ ગામમાં કેમ વીજળી પહોંચી હતી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ મને પડકાર ફેંક્યો છે કે જો એ સંસદમાં 15 મિનિટ બોલશે તો મોદીજી બેસી પણ નહીં શકે. મારો રાહુલને વળતો પડકાર છે કે તમે કોઈ કાગળમાં લખેલું વાંચ્યા વગર તમારા મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓ વિશે 15-મિનિટ બોલી બતાવો. તમે હિન્દી, અંગ્રેજી કે તમારી માતાની માતૃભાષા, એમ કોઈ પણ ભાષામાં બોલી શકો છો.

httpss://twitter.com/MrsGandhi/status/991254612953858048

કર્ણાટકમાં 224 બેઠકોની વિધાનસભા માટે 12 મેએ મતદાન છે. પરિણામ 15 મેએ જાહેર કરવામાં આવશે. ચૂંટણીના મેદાનમાં કુલ 2655 ઉમેદવારો ઉતર્યા છે. એમાં 2436 પુરુ, અને 219 મહિલા ઉમેદવારો છે. ભાજપે 224, કોંગ્રેસે 222 અને જનતા દળ (સેક્યૂલર) પાર્ટીએ 201 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, ભારતીય માર્ક્સવાદી પાર્ટી, રાષ્ટ્રીય કમ્યુનિસ્ટ પાર્ટી જેવી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ આપી છે તથા 1155 અપક્ષ ઉમેદવારો છે.