તીન તલાક પર મોદી સરકારે મંજૂર કર્યો અધ્યાદેશ, કોંગ્રેસ પાસે માગ્યો સહયોગ

0
2029

નવી દિલ્હી- કેન્દ્રની મોદી સરકારની કેબિનેટે આજે તીન તલાક સાથે સંબંધિત અધ્યાદેશને પસાર કર્યો છે. મહત્વનું છે કે, તીન તલાક બિલ સંસદમાં ગત બે સત્ર દરમિયાન રાજ્યસભમાં પસાર થઈ શક્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટે આ અંગેનો અધ્યાદેશ પસાર કર્યો છે.આપને જણાવી દઈએ કે, આ અધ્યાદેશ 6 મહિના સુધી લાગૂ રહેશે. ત્યારબાદ સરકારે ફરીવાર તેને સંસદમાં પસાર કરાવવા રજૂ કરવું પડશે. મહત્વનું છે કે, ત્રણ તલાક મુદ્દે મોદી સરકાર પહેલેથી જ ઘણી આક્રમક જણાઈ રહી છે. તીન તલાક બિલ પાસ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિરોધ કર્યા બાદ આ બિલમાં સંશોધન કરવામાં આવ્યું હતું.

કેબિનેટ બેઠકની માહિતી આપતા કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અમારા ધ્યાનમાં તીન તલાકના 430 કેસ આવ્યા છે. જેમાંથી 229 કેસ સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અને 201 કેસ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદના છે. અમારી પાસે તીન તલાક મામલાના નક્કર પુરાવાઓ પણ છે. ઉપરોક્ત મામલાઓમાં સૌથી વધુ 120 કેસ ઉત્તર પ્રદેશના છે.

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે આ મુદ્દે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અમે આ ખરડાને વારંવાર પસાર કરાવવા પ્રયાસ કર્યા છે. લગભગ પાંચ વખત આ મુદ્દે કોંગ્રેસને સમજાવવા પ્રયાસ પણ કર્યા છે. પરંતુ વોટ બેન્કના રાજકારણને કારણે કોંગ્રેસે તીન તલાક બિલ પસાર થવા દીધું નથી. રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે, સમાજના હિતને નજરઅંદાજ કરીને કોંગ્રેસ આ મુદ્દે પણ વોટ બેન્કનું રાજકારણ કરી રહી છે.

કેન્દ્રીય કાયદાપ્રધાને અપીલ કરતા કહ્યું કે, સોનિયા ગાંધી, મમતા બેનરજી અને માયાવતીએ આ મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કરવું જોઈએ.