મોદી કેબિનેટમાં ફેરફારઃ પિયુષ ગોયલ નાણાપ્રધાન, સ્મૃતિ ઈરાની પાસેથી I&B મંત્રાલય લઈ લેવાયું

નવી દિલ્હી– મોદી સરકારની કેબિનેટમાં ફેરફાર કરાયો છે. નાણાપ્રધાન અરુણ જેટલીની તબિયત સારી ન થાય ત્યાં સુધી પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. પિયુષ ગોયલ હાલમાં રેલવેપ્રધાન છે. સ્મૃતિ ઈરાની પાસેથી સુચના અને પ્રસારણ મંત્રાલયનો હવાલો લઈ લેવામાં આવ્યો છે અને રાજ્યવર્ધનસિંહ રાઠોરને સુચના પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાની હવે માત્ર ટેક્સટાઈલ વિભાગ જ જોશે.અરુણ જેટલીની કિડનીનું આજે ટ્રાન્સપ્લાન્ટ થયું છે, અને ઓપરેશન સફળ રહ્યું છે. જેટલી કેટલાય સમયથી શરીરની સમસ્યાથી ઝઝુમી રહ્યા હતા. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમના કામકાજ પર પણ અસર પડી છે. જેથી હવે જેટલી પુરી રીતે ઠીક ન થઈ જાય ત્યાં સુધી પિયુષ ગોયલ નાણાપ્રધાન રહેશે અને નાણા મંત્રાલયની જવાબદારી સંભાળશે.
પણ સ્મૃતિ ઈરાની પાસેથી સુચના પ્રસારણ મંત્રાલય પાછુ લઈ લીધું છે, તે નિર્ણયને ખુબ મોટો માનવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ સ્મૃતિ ઈરાની પાસેથી એચઆરડી મંત્રાલયને લઈ લેવામાં આવ્યું હતું. સુચના પ્રસારણ મંત્રાલયને રાજ્યકક્ષાના પ્રધાનના રૂપમાં રાજ્યવર્ધનસિંહ રાઠોર હવે પુરી રીતે સ્વતંત્ર હવાલા સાથે આઈબી મંત્રાલય સંભાળશે.

26 મેના રોજ મોદી સરકારના 4 વર્ષ પુરા થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ પીએમઓ દ્વારા તમામ પ્રધાનોના કામકાજને સ્કેન કરવામાં આવી રહ્યું છે.