‘લોકશાહી વિશે અમને ન શીખડાવો, તમે શું કર્યું હતું એ અમે બરાબર જાણીએ છીએ’: મોદીએ કોંગ્રેસની કાઢી સખત ઝાટકણી

નવી દિલ્હી – ‘ખોટા ભાષણો કરવાનું બંધ કરો’, ‘ખોટા આશ્વાસન આપવાનું બંધ કરો’ એવા વિપક્ષ કોંગ્રેસી સભ્યોના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં વિપક્ષની આકરા શબ્દોમાં અને જોરદાર રીતે ઝાટકણી કાઢી હતી અને કોંગ્રેસ પાર્ટી પર આરોપ મૂક્યો હતો કે તમે લોકોએ જ દેશના ભાગલા પડાવ્યા છે.

બજેટ સત્રના આરંભ પૂર્વે રાષ્ટ્રપતિ કોવિંદે બંને ગૃહની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન બદલ એમનો આભાર માનતા પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતી વખતે મોદીએ કોંગ્રેસ પાર્ટીને કહ્યું, ‘આપને મા ભારત કે ટૂકડે કર દિયે, ઈસકે બાવજુદ યે દેશ આપકે સાથ રહા, આપ ઉસ ઝમાને મેં દેશ મેં રાજ કર રહે થે જિસ સમય વિપક્ષ ના કે બરાબર થા.’

મોદીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનું માત્ર એક જ કામ રહ્યું હતું, ગાંધી પરિવારના ગુણગાન ગાવાનાં.

મોદીએ કહ્યું, ‘આપને (કોંગ્રેસ) પૂરા સમય એક પરિવાર કે ગીત ગાને મેં લગા દિયા. એક હી પરિવાર કો દેશ યાદ રખે સારી શક્તિ ઉસી મેં લગા દી. અગર નીયત સાફ હોતી તો યે દેશ જહાં હૈ, ઉસસે કહીં આગે હોતા. લોકતંત્ર કોંગ્રેસ યા નેહરુજી કી દેન નહીં હૈ, લોકતંત્ર તો હમારી રગોં મેં હૈ, હમારી પરંપરા મેં હૈ.’

મોદીએ કોંગ્રેસની વધુમાં ઝાટકણી કાઢતાં કહ્યું કે, આપ લોકતંત્રી બાત કરતે હૌ? આપકે પીએમ રાજીવ ગાંધીને હૈદરાબાદ એરપોર્ટ પર ઉતર કે અપની હી પાર્ટી કે દલિત સીએમ કો ખુલે આમ અપમાનિત કિયા થા… આપકે (કોંગ્રેસ) મૂંહ પે લોકતંત્ર શોભા નહીં દેતા. ઈસલિયે કૃપા કરકે આપ હમેં લોકતંત્ર કે પાઠ મત પઢાઈએ.

‘તમે કયા મોઢે અમને લોકતંત્ર શીખડાવો છો, જ્યારે પંડિત નેહરુએ સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવીને પોતે જ વડા પ્રધાન બની ગયા હતા.’

કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતાં મોદીએ એમ પણ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જો આપણા પહેલા વડા પ્રધાન બન્યા હોત તો આખું કશ્મીર આપણું રહ્યું હોત.

મોદીએ વધુમાં કહ્યું, તમે લોકો ‘હિટ એન્ડ રન’નું રાજકારણ રમી રહ્યા છો.. મતલબ કે બીજી પાર્ટી પર કાદવ ફેંકીને પછી ભાગી જવાનું, પરંતુ તમે જેટલો કાદવ કમળ ઉપર ફેંકશો એટલું કમળ વધારે ખીલશે.

વડા પ્રધાન મોદીએ ત્યારબાદ રાજ્યસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને માથે માછલાં ધોવામાં કંઈ બાકી રાખ્યું નહોતું અને ઘણા મુદ્દે એ પાર્ટીને એમની તીખીતમતી શૈલીમાં આકરાં વેણ સંભળાવ્યા હતા.