મિઝોરમમાં કોંગ્રેસને ઝાટકો, વિધાનસભા અધ્યક્ષ BJPમાં જોડાયા

આઈઝોલ- મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. મિઝોરમ વિધાનસભાના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હિફેઈએ સોમવારે તેમના પદ, ગૃહ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.કોંગ્રેસ તરફથી સાત વખત ધારાસભ્ય રહેલા હિફેઈએ તેમનું રાજીનામું વિધાનસભા ઉપાધ્યક્ષને સોંપ્યું હતું. જેનો તેમણે સ્વીકાર કરી લીધો હતો. જ્યાંથી તેઓ કોંગ્રેસ કાર્યાલય ગયા અને ત્યાં પાર્ટીના સદસ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું.

40 ધારાસભ્યો ધરાવતા મિઝોરમની વિધાનસભામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા હિફેઈ પાંચમાં ધારાસભ્ય છે. આપને જણાવી દઈએ કે, પૂર્વોત્તરમાં મિઝોરમ કોંગ્રેસ શાસિત એકમાત્ર રાજ્ય છે. રાજીનામું આપ્યા બાદ મિઝોરમ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હિફેઈએ કહ્યું કે, તેમનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સાથે મળીને રાજ્યમાં એક જવાબદાર સરકાર બનાવશે.

વધુમાં હિફેઈએ કહ્યું કે, મિઝોરમમાં આગામી ચૂંટણીમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીનો પરાજય થશે. તેમણે આશા વ્યક્ત કરી કે, 40 સદસ્યો ધરાવતી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠક મેળવવા પ્રયાસ કરશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 28 નવેમ્બરે ચૂંટણી યોજાશે.