મિશન-2019: BJPનો ટિફિન મિટીંગ પ્લાન, શું છે મોદી-શાહની રણનીતિ?

0
2473

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે. પાર્ટીની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સાંસદો અને કાર્યકર્તાઓને વ્યક્તિગત નારાજગી દુર કરી કામ કરવા જણાવ્યું અને પોતપોતાના ક્ષેત્રમાં જઈને બૂથ લેવલ પર ટિફિન મિટીંગ કરવા જણાવ્યું છે.શું છે BJPનો ટિફિન મિટીંગ પ્લાન?

આપને જણાવી દઈએ કે BJPનો આ ટિફિન મિટીંગ પ્લાન સંઘ પ્રેરિત છે. આ પ્લાનને ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલા ગુજરાતમાં અજમાવ્યો હતો. આ વિચાર દ્વારા BJPએ બૂથ લેવલ પર પાર્ટીને મજબૂત કરી હતી. ટિફિન મિટીંગ પ્લાન અંતર્ગત પાર્ટી નેતા દરેક બૂથ પર પોતાના ઘરેથી ટિફિન લઈને જશે અને ત્યાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને તેમની સાથે ભોજન કરશે.

આપને જણાવી દઈએ કે, પીએમ મોદી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે જ્યારે બનારસ ગયા હતા ત્યારે તેમણે પાર્ટી નેતાઓ સાથે બેસીને સૌની સાથે ભોજન કર્યું હતું. ઉપરાંત પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ દલિત અને ઓબીસી કાર્યકર્તાઓના ઘરે અવારનવાર ભોજન કરતા રહ્યાં છે.

હવે આ વિચારને કેન્દ્ર સ્થાને રાખીને BJPના વરિષ્ઠ નેતાઓએ સાંસદો અને કાર્યકર્તાઓને ટિફિન મિટીંગ પ્લાનનો આઈડિયા આપ્યો છે. જે મુજબ પાર્ટીના બધા જ સાંસદો તેમના સંસદીય ક્ષેત્રના બૂથ વિસ્તારમાં જઈને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી તેમની નારાજગી દુર કરવા પ્રયાસ કરશે. આ દરમિયાન પાર્ટી નેતાઓ અને સાંસદો મોદી સરકારની ઉપલબ્ધિ અને નીતિઓથી કાર્યકર્તાઓને માહિતગાર પણ કરશે.