લાપતા AN-32 વિમાનના પાઈલટને એમના પત્નીએ જ ટેકઓફ્ફ કરાવ્યું હતું

જોરહટ (આસામ) – ગઈ 3 જૂનના સોમવારે લાપતા થઈ ગયેલા ભારતીય હવાઈ દળના વિમાન AN-32ને ફ્લાય કરનાર પાઈલટ આશિષ તંવરના લગ્ન હજી ગયા વર્ષના ફેબ્રુઆરીમાં જ થયા હતા. એમના પત્નીનું નામ સંધ્યા છે અને એમનું પોસ્ટિંગ ગયા વર્ષે જોરહટ બેઝ ખાતે જ કરવામાં આવ્યું હતું.

ગયા સોમવારે આ દંપતી પર મોટી આફત ત્રાટકી હતી જ્યારે AN-32 વિમાન જોરહટ મથકેથી ઉપડ્યા બાદ તરત જ ગાયબ થઈ ગયું હતું. તે વિમાન ટ્રાન્સપોર્ટ વિમાન છે.

યોગાનુયોગ, આશિષના પત્ની સંધ્યા, જે રડાર ઓપરેટર છે અને એ કમનસીબ દિવસની બપોરે એર ટ્રાફિક કન્ટ્રોલમાં ફરજ પર હતાં ત્યારે એમણે જ એમનાં પતિ આશિષને વિમાનનું ટેકઓફ્ફ કરાવ્યું હતું.

એએનઆઈ સાથે વાતચીત કરતાં આશિષ તંવરના માતાએ કહ્યું કે એમનો પુત્ર તથા અન્ય પ્રવાસીઓ લાપતા થયાને આજે ચાર દિવસ થઈ ગયા છે. એમણે ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે કે વિમાન લાપતા થવાની ઘટનામાં તપાસમાં વેગ આપવામાં આવે.

આશિષ તંવર ફ્લાઈટ લેફ્ટેનન્ટ છે અને હરિયાણાના પલવલના રહેવાસી છે.

ગયા સોમવારથી અરૂણાચલ પ્રદેશમાં ગૂમ થયેલા વિમાનમાં એમના સહિત 13 જણ છે.

29 વર્ષીય આશિષ અને સંધ્યા એમનું વેકેશન માણ્યા બાદ હજી ગઈ 18 મેએ જ પોતપોતાની ફરજ પર પાછાં ફર્યાં હતાં.

આશિષ કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ 2013માં ભારતીય હવાઈ દળમાં જોડાયા હતા. 2015માં એ હવાઈ દળમાં પાઈલટ વિન્ગમાં સામેલ થયા હતા. ગઈ 3 જૂને બપોરે 1 વાગ્યે રડાર પરથી ગૂમ થઈ ગયેલા AN-32 વિમાનને એ ઉડાડી રહ્યા હતા.

વિમાન રડાર પરથી અદ્રશ્ય થઈ ગયાના સમાચાર સંધ્યાએ જ એમનાં પરિવારજનોને આપ્યાં હતાં.

તે વિમાન 3 જૂને બપોરે આશરે 12.25 વાગ્યે આસામના જોરહટ બેઝથી ઉપડ્યું હતું. એ અરૂણાચલ પ્રદેશના મેન્ચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે લેન્ડ થવાનું હતું, પણ લગભગ બપોરે લગભગ 1 વાગ્યા બાદ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. એનો હજી સુધી પત્તો લાગ્યો નથી.

આશિષ તંવરને નડેલી દુર્ઘટનાને કારણે એમના વતન પલવલમાં હાલ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

આશિષના માતાપિતાને દિલાસો આપવા માટે રોજ એમનાં નિવાસે સગાંસંબંધીઓની લાઈન લાગે છે.