આતંકી અફઝલ ગુરુના અવશેષ કશ્મીર લાવવા ઈચ્છે છે મહેબૂબા મુફ્તી

જમ્મુકશ્મિરઃ કશ્મિરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારબાદથી રાજનૈતિક પાર્ટીઓએ સંવેદનશીલ મુદ્દા પર વિવાદી નિવેદન આપીને વોટબેંક સાધવાના પ્રયત્નો શરુ કરી દીધા છે. આ જ ક્રમમાં કશ્મિરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિએ વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે અફઝલ ગુરુને ફાંસી નહોતી થવી જોઈતી. અફઝલની ફાંસી રોકવા માટે અમે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સરકારને અમે પહેલાં જ ચેતવી હતી કે રાજ્યમાં જો ડિવિઝન બનાવવામાં આવી રહ્યું છે તો પછી પંજાલ અને ચેનાબ માટે પણ ડિવિઝન બનાવવું જોઈએ. માત્ર લદ્દાખનું જ ડિવિઝન બનાવવાથી પીર પંજાલ અને ચેનાબના લોકો અસહજ બની જશે. સરકાર આવું કરીને રાજ્યમાં આગ સાથે રમવાનું કાર્ય કરી રહી છે.

માત્ર આટલું જ નહી પરંતુ મહેબૂબા મુફ્તીએ અફઝલ ગુરુના શરીરના અવશેષને કાશ્મીરમાં પાછા લાવવાને લઈને પોતાની સહમતી દર્શાવી છે. હકીકતમાં મુફ્તીએ આવું કરીને પીડીપી સાંસદના સૂરમાં સૂર પુરાવ્યો છે. આ પહેલા પીડીપીના સાંસદ મીર મહોમ્મદ ફયાઝે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુ અને જેકેએલએફના નેતા મકબૂત ભટ્ટના શરીરના અવશેષ પાછા આપવાની માંગ કરી છે. મીરનો તર્ક છે કે આવું કરવાથી કાશ્મીરમાં અલગાવની ભાવના ઓછી થશે. મીરનું કહેવું છે કે જો સરકાર આવું કરે છે તો લાંબા સમયથી લાગેલા ઘા પર મલમ લગાવવાનું કામ થશે.
મીરનું કહેવું છે કે જો સરકાર મારી વાત માને છે તો તેઓ હું તે વાતને પૂર્ણ જવાબદારી સાથે કહું કે કશ્મિરીઓમાં વ્યાપ્ત એક પ્રકારની કડવાશને ઓછી કરવામાં સરળતા રહેશે અને અલગાવની ભાવના પણ ઓછી થશે. તેમણે કહ્યું કે એક નિર્વાચિત વડાપ્રધાનના હત્યારાને જ્યારે માફી આપવામાં આવી શકે છે તો પછી કશ્મીરી લોકોને તેમના પરિવારવાળાના અવશેષો આપવામાં કશું ખોટું નથી.

આપને જણાવી દઈએ કે 13 ડિસેમ્બરના રોજ સંસદ ભવન પર હુમલાના આરોપી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો. તેના અવશેષને તિહાડ જેલમાં જ દફન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે મકબૂલ ભટ્ટને એક ગુપ્તચર અધિકારીની હત્યા માટે 11 ફેબ્રુઆરી 1984ના રોજ ફાંસી આપવામાં આવી હતી ત્યારબાદ તેને પણ તિહાડ જેલમાં જ દફન કરી દેવામાં આવ્યો હતો.