મથુરા જવાહરબાગ હિંસાઃ 45 દોષિત, મુખ્ય આરોપી છૂટી ગયો

મથુરાઃ અઢી વર્ષ જૂના મથુરાના ચર્ચિત જવાહરબાગ હિંસા કાંડમાં 45 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામને ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તો મુખ્ય આરોપી ચંદન બોસ, તેની પત્ની પૂનમ બોસ અને શ્યામવતી નામની એક મહિલાને છોડી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં એક એસપી સહિત બે પોલીસ અધિકારીઓનું પણ મૃત્યુ થયું હતું. તો રામવૃક્ષ યાદવના સમર્થક પણ તેને મૃત માનવા તૈયાર નથી, જેને લઈને વિરોધમાં 17 જાન્યુઆરીથી રેલી કાઢી રહ્યા છે.

જૂન 2016માં આ જગ્યાને ખોટી માલિકીથી મુક્ત કરાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી અને આ દરમિયાન ઘટનાના સૂત્રધાર રામવૃક્ષ યાદવના સમર્થકોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મથુરાના તત્કાલીન એસપી સિટી મુકુલ ઉપાધ્યાય અને એક પોલીસ અધિકારી સંતોષ કુમારનું મૃત્યુ થયું હતું.

2 જૂન 2016ના રોજ થયેલા આ કાંડ બાદ રામવૃક્ષ યાદવના મૃત્યુની વાત સામે આવી હતી. પરંતુ તેનો કોઈ પુરાવો મળ્યો નથી. તેના સમર્થકો એ વાત માનવા તૈયાર નથી કે તેનું મૃત્યુ થઈ ગયું છે. આને લઈને રામવૃક્ષના સમર્થકો દેવરિયાથી એક રેલી કાઢી રહ્યા છે જે 23 જાન્યુઆરીના રોજ મથુરા પહોંચશે. પોલીસ પણ સતર્ક બની ગઈ છે.

મથુરામાં જવાહરબાગની મૂલ્યવાન જમીનને રામવૃક્ષ અને તેના સમર્થકોએ સત્યાગ્રહના નામે પોતાની કરી લીધી હતી. આ જમીનને મુક્ત કરાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મામલે 100થી વધારે આરોપી જેલમાં છે.