225 પેસેન્જર ભરેલાં વિમાનમાં સુરક્ષાને લઈને ગંભીર ભૂલ, તૂટેલો હતો દરવાજો

નવી દિલ્હી- એર ઇન્ડિયાના પેસેન્જર વિમાનમાં એક છેદ હોવાની જાણકારી મળતાં મોટી ભૂલ સામે આવી છે. અંદાજે 225 પેસેન્જરોને લઈને જઈ રહેલા આ વિમાને સેન ફ્રાન્સિસ્કોમાં લેન્ડિંગ કરતાની સાથે આ વિમાનને ઘેરી લેવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર નવી દિલ્હીથી રવિવારે ટેકઓફ કરેલા વિમાન AI 183માં પેસેન્જરોની સુરક્ષાને લઈને મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિમાને વિશ્વના સૌથી લાંબા રૂટ મારફતે સફર કરી હતી.

આ ભૂલ સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ વિભાગીય તપાસ શરુ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે સમાચાર એજન્સીને જણાવ્યું કે, વિમાનને ઉતરણ બાદ કરેલા નિરીક્ષણ દરમિયાન જમણી તરફના પ્રવેશ દ્વાર પાસે એક છિદ્ર જોવા મળ્યું. એર ઈન્ડિયા સેન ફ્રાન્સિસ્કોમાં લોકલ એરક્રાફ્ટ મેન્ટેનન્સ એજન્સીઓ મારફતે આ છિદ્ર રિપેર કરવાના પ્રયત્નો કરી રહ્યું છે, કારણ કે ભારતમાંથી મેન્ટેનન્સ માટે કર્મચારી અને સામાન મંગાવવો શક્ય નથી.

બીજી બાજુ, એર ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુસાફરોની સુરક્ષાને લઈને આ ગંભીર ભૂલ બદલ વિમાનના ક્રૂ મેમ્બરો પાસેથી જવાબ લેવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, આ પહેલાં સોમવારે અસમના જોરહાટ એરબેઝ પરથી અરુણાચલ પ્રદેશના મેન્ચુકા માટે ઉડાન ભર્યા બાદ ગુમ થયેલા ભારતીય વાયુસેનાના વિમાન IAF AN 32નો કાટમાળ મળવાના સમાચાર મળ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક હેલિકોપ્ટર સર્ચ ટીમે ભારતીય વાયુસેના AN 32 વિમાનના કાટમાળને જોયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિમાનમાં 13 લોકો સવાર હતાં જેની શોધખોળ ચાલી રહી છે.