સરકારના પ્રયાસ સફળ, 44 જિલ્લામાંથી નાબૂદ થયો નક્સલ આતંક: ગૃહમંત્રાલય

નવી દિલ્હી- ગૃહમંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે, દેશમાં નક્સલી પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે અને તેમનો વિસ્તાર પણ ઓછો થયો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં પહેલા 126 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા જેમાંથી 44 જિલ્લાઓને નક્સલ મુક્ત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. હવે દેશમાં 82 જિલ્લાઓ છે જે નક્સલ આતંકથી પ્રભાવિત છે.જોકે ગૃહમંત્રાલયના રિપોર્ટમાં જણાવ્યા મુજબ 8 નવા જિલ્લાઓનો નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે 44 જિલ્લાઓને નક્સલ પ્રભાવિત યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશના 3 જિલ્લા, છત્તીસગઢના 3 જિલ્લા અને ઝારખંડના 2 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૌથી વધુ તેલંગાણામાંથી 19 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

4 વર્ષમાં નક્સલી આતંક ઘટ્યો

ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ નક્સલ આતંકવાદ પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકારના પ્રયાસોને સફળતા મળી છે. અને ગત ચાર વર્ષો દરમિયાન તેમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જેનો શ્રેય સરકારની બહુમુખી રણનીતિને જાય છે. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ 44 જિલ્લાઓમાં નક્સલીઓ સદંતર નાબૂદ કરવામાં આવ્યા છે અથવા તેમની હાજરી નહીં બરાબર છે.