કોંગ્રેસને ધમકાવી રહ્યાં છે પીએમ મોદી, પૂર્વ વડાપ્રધાને લખ્યો રાષ્ટ્રપતિને ફરિયાદ પત્ર

નવી દિલ્હી- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા અંગે આપત્તિ વ્યક્ત કરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલા નિવેદન અંગે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદી કોંગ્રેસ પાર્ટીને ધમકાવી રહ્યાં છે.કોંગ્રેસ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટકના હુબલીમાં આપવામાં આવેલા ભાષણ અંગે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, દેશના વડાપ્રધાન કક્ષાના વ્યક્તિએ કોઈના વિરુદ્ધ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ફરિયાદ પત્રમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત કોંગ્રેસના અન્ય નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે.

શું કહ્યું હતું પીએમ મોદીએ?

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 મેના રોજ હુબલીમાં BJPના સીએમ ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પા સામે ખોટા આરોપ લગાવવા બદલ કોંગ્રેસ પાર્ટી પર પલટવાર કર્યો હતો. પીએમ મોદીએ નેશનલ હેરાલ્ડ કેસની યાદ અપાવતા જણાવ્યું કે, આ કેસમાં માં-દીકરા (સોનિયા ગાંધી અને રાહુ ગાંધી) સામે કૌભાંડનો આરોપ છે અને બન્ને જામીન પર છુટેલા છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘એવો પક્ષ જેના પ્રમુખ જામીન પર છુટ્યા છે, શું એ અમને પ્રશ્ન પુછવાને લાયક છે’? કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યેદિયુરપ્પાએ તો તેમના પર લગાવવામાં આવેલા આરોપ બાદ અદાલતનો સામનો કર્યો છે. છેલ્લે પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળીલે, જો મર્યાદાઓ પાર કરશો તો, આ મોદી છે લેવાના દેવા થઈ જશે. પીએમ મોદીના આ શબ્દો અંગે કોંગ્રેસે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે.