પલવલ મસ્જિદ તપાસમાં એનઆઈએ દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી- હરિયાણાના પલવલમાં મસ્જિદ નિર્માણ મામલે તપાસ કરી રહેલી એજન્સી એનઆઈએનું કહેવું છે કે, ધાર્મિક સ્થળના નિર્માણ માટે હાફિઝ સઈદના સંગઠન લશ્કર એ તૌયબાએ કથિત રીતે ફંડ ફાળવ્યું હતું. તપાસ દરમિયાન જાણકારી મળી છે કે, જે વ્યક્તિએ મસ્જિદ નિર્માણ માટે ફંડ આપ્યું હતું તે વ્યક્તિ અગાઉ ત્રણ વખત પાકિસ્તાન જઈ આવ્યો છે. આ વ્યક્તિ પાકિસ્તાન અને યુએઈમાં લશ્કરના બે સભ્યોના સંપર્કમાં હતો.

ગત 15 ઓક્ટોબરે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ)ની તપાસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, નિઝામુદીનના રહેવાસી મોહમ્મદ સલમાને હરિયાણાના પલવલમાં સ્થિત ખુલાફા એ રશીદીન મસ્જિદના નિર્માણ માટે 70 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું. તાપસ એજન્સી મુજબ આ ફંડ કથીત રીતે લશ્કર એ તોઇબાના એનજીઓ દ્વારા સલમાનને આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ તમામ ગુપ્ત એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી, એ તપાસ હાથ ધરવામાં આવી હતી કે શું લશ્કર એ તોઈબા દ્વારા ભારતમાં ધાર્મિક ગતિવિધિઓમાં રોકાણ કરીને ભારતમાં તેમનો પ્રભાવ વધારવા કે સ્લીપર સેલની સ્થાપના કરવાનો તો પ્લાન નથી ને.એનઆઈએના અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે ચોક્કસ પુરાવા છે કે, સલમાલના સંબંધો લશ્કરના ઓપરેટરો સાથે છે અને આ નાણાં લશ્કરના જ છે. ઈલેક્ટ્રોનિક પુરાવા પણ છે, જેમાં ઈમેલ અને ચેટ દ્વારા જાણકારી મળી છે કે, ફંડને લઈને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએફ)ની ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન અને દુબઈમાં આ અંગે વાતચીત થઈ હતી.

પલવલના ઉત્તાવર ગામમાં ખુલાફા એ રશીદીન મસ્જિદને 3 ઓક્ટોબરના રોજ એનઆઈએના અધિકારીઓએ શોધી હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ ટેરર ફંડિંગના મામલામાં મસ્જિદના ઇમામ, દિલ્હીના મોહમ્મદ સલમાનની ધકપકડ કરી હતી.

મસ્જિદના ઇમામને મોહમ્મદ સલમાનને દુબઈ નિવાસી પાકિસ્તાની નાગરિક કામરાનના નામથી ૭૦ લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે, કામરાન આતંકવાદી સંગઠન માટે કામ કરે છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ માટે પૈસા ઉપલબ્ધ કરાવે છે. ઉત્તાવર ગામના લોકોનો દાવો છે કે, મસ્જિદ જે જમીન ઉપર છે તે વિવાદાસ્પદ જમીન છે, અને સલમાનના લશ્કર સાથે સંબંધો છે એ અંગે અમને જાણકારી ન હતી.એનઆઈએના અધિકારીઓનું કહેવું છે કે, મસ્જિદના હોદ્દેદારોની પુછપરછ ચાલી રહી છે. દાન અને અન્ય સંબંધિત દસ્તાવેજોમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જમીન કાયદાકીય રીતે લેવામાં આવી હતી અને કેટલાક ગામના લોકોએ મળીને આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફંડ આપવા માટે ગ્રામીણ લોકોએ પણ નાણાં આપ્યા હતા. પલવલની મસ્જિદમાં તોઇબાના પૈસા લાગેલા છે તેવા અહેવાલ આવ્યા બાદ એનઆઈએની ટુકડી વધુ તપાસમાં લાગી છે.