મોદી વિરુદ્ધ મહાગઠબંધન? મમતા મળ્યાં 9 વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓને

0
1786

નવી દિલ્હી – પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી આજે અહીં ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાનાં નેતાઓને તેમજ 9 વિરોધ પક્ષોના નેતાઓ, સંસદસભ્યોને પણ મળ્યાં હતાં.

મમતા બેનરજી અને શિવસેનાના સાંસદ સંજય રાઉત

બેનરજી આજે સંસદભવનની મુલાકાતે ગયાં હતાં અને શિવસેનાના રાજ્ય સભાના સદસ્ય સંજય રાઉત તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને એમની પાર્ટીઓનાં કાર્યાલયમાં જઈને મળ્યાં હતાં. બેનરજી તેલંગણા રાષ્ટ્ર સમિતિના સંસદસભ્ય કે. કવિતાને પણ મળ્યાં હતાં જે ટીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવના પુત્રી છે.

બેનરજી તથા આ નેતાઓ વચ્ચેની બેઠકમાં શું ચર્ચા થઈ એની વિગત હજી જાણવા મળી નથી.

શરદ પવાર સાથે મમતા બેનરજી. સાથે છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ પટેલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે વિરોધ પક્ષો તથા ભાજપની આગેવાની હેઠળ કેન્દ્રના એનડીએ જૂથના ભૂતપૂર્વ સહયોગી તેલુગુ દેસમ પાર્ટી સંગઠિત થયા છે તેવામાં બેનરજી તથા અન્ય નેતાઓની આજની બેઠકનું મહત્વ વધી ગયું છે.

આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનરજી કેટલાક બિન-ભાજપ રાજકીય પક્ષોને સંગઠિત કરી ત્રીજા મોરચાની રચનાની વેતરણમાં હોય એવું લાગે છે.

બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી હાલ બીમાર છે. એ સાજાં થઈ જશે પછી પોતે એમને મળશે. બુધવારે મમતા શત્રુઘ્ન સિન્હા, યશવંત સિન્હા તથા અરૂણ શૌરી જેવા ભાજપના અસંતુષ્ટ નેતાઓને મળવાનાં છે. બેનરજીએ વધુમાં કહ્યું કે જો મને અખિલેશ સિંહ યાદવ (સમાજવાદી પાર્ટી) અને માયાવતી (બહુજન સમાજ પાર્ટી) મળવા માટે લખનઉ બોલાવશે તો હું જરૂર જઈશ.