સીબીઆઈમાં ટોચના સ્તરે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ

નવી દિલ્હી – આજે અહીં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બાદ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટ રાકેશ શર્માએ એકબીજા વિરુદ્ધ કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટૂકડીની રચના કરવામાં આવશે.

આલોક વર્મા અને રાકેશ અસ્થાના

સૈદ્ધાંતિક રીતે, આરોપીઓ એમની સામેના આરોપમાં તપાસ નહીં કરે કે તપાસ પર દેખરેખ પણ નહીં રાખે.

સરકારે આ ઉપરાંત સીબીઆઈના 13 અધિકારીઓની બદલી કરી નાખી છે. આમાં મોટા ભાગના અધિકારીઓ વર્માના સહાયકો છે, જેઓ રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપોમાં તપાસ કરી રહ્યા હતા.

દરમિયાન, સરકારે સીબીઆઈ ડાયરેક્ટર વર્માને રજા પર ઉતરી જવાનું કહીને દેખીતી રીતે જ એમને બરતરફ કરી દીધા છે.

જે 13 અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે એમાં નાયબ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અજય કુમાર બસ્સીનો પણ સમાવેશ થાય છે. અસ્થાના વિરુદ્ધના આરોપોમાં બસ્સીએ જ તપાસ હાથ ધરી છે. બસ્સીને તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે પોર્ટ બ્લેરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.