PM મોદી 500 સ્થળે એકસાથે જોડાશે કેમ્પેઇન પ્રચારમાં, ભાજપ એક્શન મોડમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલા “મેૈં ભી ચોકીદાર” કેમ્પેનને હવે પાર્ટી ઘેરઘેર લઈ જશે. 20 માર્ચના રોજ એક મોટા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સામાન્ય જનતાની રુબરુ થશે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 500 જગ્યાઓ પર સંવાદ કરશે.

રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મૈં ભી ચોકીદાર કેમ્પેન આજે એક જન આંદોલન બની ગયું છે. તેમણે કહ્યું કે યાદ કરો 2014માં દેશની શું હાલત હતી. 2જી, કોલગેટ મામલે તમામને ખબર છે અને એ જ કારણ છે કે આવામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દેશનો ચોકીદાર બનીશ.

કેન્દ્રીય પ્રધાને આ દરમિયાન જણાવ્યું કે #MainBhiChowkidar જ્યારે લોન્ચ થયું તો આખી દુનિયામાં ટ્રેન્ડ થયું, અત્યારસુધી 20 લાખ લોકો આ કેમ્પેન સાથે જોડાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે અત્યારસુધી આના પર કરોડોની સંખ્યામાં ઈમ્પ્રેશન આવી છે. એક કરોડ લોકો અત્યારે આ ઝુંબેશ સાથે જોડાઈ ચૂક્યા છે.

રવિશંકરે કહ્યું કે 31 માર્ચના રોજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 500 લોકેશન પર ઈન્ટરેક્શન કરશે. જે લોકોએ આ મૂવમેન્ટમાં ભાગ લીધો છે તેમાં ખેલાડીઓ, યુવાનો, નેતાઓ, પૂર્વ સૈનિક, ખેડૂતો, અને ડોક્ટર્સ સહિતના લોકો જોડાશે અને વડાપ્રધાન દિલ્દીમાં હશે અને ત્યાંથી આખા દેશના લોકો સાથે જોડાશે.

આપને જણાવી દઈએ કે વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જ પ્રકારે “ચાય પે ચર્ચા” કેમ્પેનની શરુઆત કરવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને ચા વાળા કહ્યા હતા. અને આના જવાબમાં “ચાય પે ચર્ચા” કેમ્પેનની શરુઆત કરવામાં આવી હતી.

હવે ભારતીય જનતા પાર્ટી પર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા “ચોકીદાર ચોર છે” નારા પર પલટવાર કરી રહી છે અને આ પ્રકારે કેમ્પેન શરુ કરી રહી છે.