મધ્યપ્રદેશ ચૂંટણી: CM શિવરાજ સિંહની યાત્રા દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ ઝગડ્યા

ભોપાલ- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રા દરમિયાન ઈન્દોરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અંદરોઅંદર ઝગડી પડ્યાં હતાં. તેમની વચ્ચે જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ થયાની વાત પણ જાણવા મળી છે.આપને જણાવી દઈએ કે, રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે તેમની જન આશિર્વાદ યાત્રા લઈને ઈન્દોર પહોંચ્યા હતા. આ દરમિયાન લોકો દ્વારા તેમનું ઠેર ઠેર અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળો પર કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમ માટે મંચ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન જ્યારે યાત્રા ઈન્દોરથી પસાર થઈ ત્યારે પાર્ટી કાર્યકર્તાઓ ઝગડી પડ્યા હતાં. પ્રત્યક્ષ જોનારાઓના જણાવ્યા મુજબ જ્યારે સ્થાનિક વિધાયક ઉષા ઠાકુર પોતાની વાત જણાવી રહ્યાં હતાં ત્યારે અન્ય કાર્યકર્તા બીજા નેતાની તખ્તી લઈને ધસી આવ્યા હતા. દરમિયાન કાર્યકરોના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.