શિવરાજસિંહને ચૂંટણી પૂર્વે જોરદાર ફટકો, સાળાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

ઈન્દૌર: મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે જોરદાર ફટકો પડ્યો છે. શિવરાજના સાળા સંજય સિંહ મસાનીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ ચીફ કમલનાથ તેમજ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા હતાં.

કોંગ્રેસમાં જોડાયા બાદ સંજય સિંહે જણાવ્યું હતું કે, ‘મધ્ય પ્રદેશને શિવરાજ નહીં નાથ જોઈએ છે. શિવરાજ અહીં 13 વર્ષથી સીએમ પદે છે. આટલા વર્ષો બસ છે, અન્યને પણ તક મળવી જોઈએ.’ સંજય સિંહે કમલનાથના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ મધ્ય પ્રદેશના વિકાસ માટે કામ કરશે. સંજય સિંહે ભાજપ પર વંશવાદની રાજનીતિને પ્રોત્સાહન આપતું હોવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, સંજય આજે કોંગ્રેસમાં જોડાય રહ્યાં છે, મને આશા છે કે, જે નિષ્ઠા સાથે તે ભાજપમાં કામ કરી રહ્યા હતાં, તે જ નિષ્ઠા સાથે તે કોંગ્રેસમાં પણ કામ કરતા રહેશે.

આગામી 28મી નવેમ્બરના મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપે મધ્ય પ્રદેશના 177 ઉમેદવારોની યાદીનું પ્રથમ લિસ્ટ શુક્રવારે જાહેર કર્યું હતું. જો કે કોંગ્રેસના બે દિગજ્જ નેતાઓ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મતભેદ સપાટી પર આવતા હજુ સુધી કોંગ્રેસની યાદી જાહેર થઈ નથી.

ઉલ્લેખનીય છે કે, જે સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા છે, તે જ સંજય સિંહ મસાની પર કોંગ્રેસ સતત ભ્રષ્ટાચારના આરોપ લગાવતી આવી છે.