ભાજપ 300 ને પાર, કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાપદના પણ ફાંફા

નવી દિલ્હી- અત્યંત રસપ્રદ બનેલી લોકસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની રહી છે. રાત્રે 10 વાગ્યા સુધીની માહિતી પ્રમાણે ભાજપ 150 બેઠક પર વિજેતા થઈ ચૂક્યું છે અને 150 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આમ ભાજપ કુલ 300 ઉપરાંત બેઠકો મેળવશે એવો અમિત શાહનો દાવો સાચો પુરવાર થઈ રહ્યો છે.

જો કે, સામે પક્ષે કોંગ્રેસ 2014ના દેખાવોમાં બહુ સુધારો કરી શકી નથી. 29 બેઠક જીતી ચૂકેલી કોંગ્રેસ બીજી 22 બેઠકો પર આગળ ચાલી રહી છે. એટલે તે કુલ 51 બેઠકો મેળવી શકે છે. 2014ની માફક આ વખતે પણ કોંગ્રેસ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો હોદ્દો મેળવી શકે એમ નથી કેમકે આ માટે કોંગ્રેસ ઓછામાં ઓછી 54 બેઠક મેળવવી પડે એમ છે.

ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ 348, યુપીએ 92 અને અન્યના ખાતામાં 102 બેઠક જઈ રહી છે. પરિણામો જાહેર થતાંની સાથે જ નવી દિલ્હીમાં નવી સરકાર રચવાની ગતીવીધિઓ શરુ થઈ ચૂકી છે. આવતીકાલે કેબિનેટની બેઠક મળે એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સુપ્રત કરી શકે છે. નવી સરકાર ન રચાય ત્યાં સુધી એ વડાપ્રધાન પદે ચાલુ રહેશે. 26 મે ની આસપાસ જ નવી સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે એવુ માનવામાં આવી રહ્યું છે.