ટ્રિપલ તલાકને ગુનો જાહેર કરતાો કેન્દ્ર સરકારનો ખરડો લોકસભામાં બહુમતીથી પાસ થયો

નવી દિલ્હી – મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો એટલે કે ટ્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ મૂકતો અને આ પ્રથાને ગુનાનું સ્વરૂપ આપતો ખરડો આજે લોકસભામાં કોઈ પણ સુધારા કર્યા વિના મૌખિક મતદાન દ્વારા પાસ થઈ ગયો છે. હવે આ ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તેની પણ મંજૂરી મળી ગયા બાદ આ ખરડો કાયદો બનશે.

આ ખરડામાં એવી જોગવાઈ છે કે મુસ્લિમ સમુદાયમાં જે કોઈ પતિ એની પત્નીને ત્રણ વાર તલાક શબ્દ બોલીને છૂટાછેડા આપશે એને ત્રણ વર્ષની જેલની સજા થશે અને દંડ પણ ભોગવવો પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કરેલા ટ્રિપલ તલાક વિરોધી ખરડાને આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને દિવસભર ચાલેલી ચર્ચાને અંતે તેની પર મતદાન યોજવામાં આવ્યું હતું.

આ ખરડો કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ગૃહમાં રજૂ કર્યો હતો.

ગૃહમાં પોતાના સંબોધનમાં પ્રસાદે કહ્યું હતું કે આ ખરડો-કાયદો ન્યાય, સમાનતા અને મહિલાઓનાં આદર માટેનો છે, કોઈ ધર્મને લગતો નથી.

AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમાં ટ્રિપલ તલાક ખરડા સામે વિરોધ કર્યો હતો અને કહ્યું, આ ખરડો મૂળભૂત અધિકારોના ભંગસમાન છે. ઓવૈસીએ બે સુધારા દર્શાવતા પ્રસ્તાવ રજૂ કર્યા હતા, પણ સભ્યોએ મૌખિક મતદાન વખતે એ બંને પ્રસ્તાવને નકારી કાઢ્યા હતા. ઓવૈસીના પ્રસ્તાવને માત્ર બે જ મત મળ્યા હતા અને 242 જણે એનો વિરોધ કર્યો હતો.

આ ખરડાને અમુક સુધારા કરવા તેમજ વિસ્તૃતપણે ફેરવિચારણા કરવા માટે સંસદીય સ્થાયી સમિતિને મોકલવાની વિરોધપક્ષની માગણીને સરકારે ફગાવી દીધી છે.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ ખરડાને ફેરવિચારણા માટે સ્થાયી સમિતિને મોકલવાની માગણી જરાય વાજબી નથી. પીડિત મુસ્લિમ મહિલાઓ ન્યાય માટે રડી રહી છે અને અમે આ ખરડાને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ.

વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન એમ.જે. અકબરે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓનાં હિતમાં કાયદો પાસ કરી દેવામાં આવે એનો આ યોગ્ય સમય છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આ ખરડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમની ઈચ્છા હતી કે આ ખરડામાં અનેક ત્રુટિઓ રહી ગઈ છે તેથી એને ફેરવિચારણા માટે સ્થાયી સમિતિને મોકલવામાં આવે.

ભાજપનાં સંસદસભ્ય મીનાક્ષી લેખીએ એવી દલીલ કરી હતી કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની આળપંપાળ કરી રહી છે. એના આવા રાજકારણને કારણે જ દેશે 30 વર્ષનું નુકસાન ભોગવ્યું છે. હવે આજે અમને દેશ માટે સારું કરવાની તક મળી છે. જો આપણે આજે આ તક ગુમાવી દઈશું તો ફરી બીજી તક નહીં મળે.

ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાક ખરડાને સુપ્રીમ કોર્ટે પણ ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો છે.