વાયનાડમાં મતદાનનો બહિષ્કાર કરવાની હાકલ કરતા પોસ્ટરો માઓવાદીઓએ મૂક્યા

તિરુવનંતપુરમ (કેરળ) – કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી જ્યાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે કેરળના વાયનાડ મતવિસ્તારના મુન્ડક્કાઈમાં માઓવાદી નક્સલવાદીઓએ અમુક પોસ્ટરો અને બેનરો મૂક્યા છે જેમાં કિસાનો અને ખેતમજૂરોને કહેવામાં આવ્યું છે કે એમણે 23 એપ્રિલે વાયનાડમાં થનાર મતદાનનો બહિષ્કાર કરવો.

મુન્ડક્કાઈમાં આજે વહેલી સવારે કેટલાક ઠેકાણે એવા પોસ્ટરો જોવા મળ્યા હતા, એમ વાયનાડ જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે.

આ પોસ્ટરો જોવા મળ્યા બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દીધો છે અને વહીવટીતંત્રએ વધારાના અર્ધલશ્કરી દળોને મોકલવાની વિનંતી પણ કરી છે.

પોસ્ટરો કોણે મૂક્યા એ વિશે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરતો એક પત્ર વાયનાડ પ્રેસ ક્લબને પણ મોકલવામાં આવ્યો છે.

આ વર્ષની 6 એપ્રિલે પોલીસે માઓવાદી નેતા સી.પી. જલીલને સામસામા ગોળીબારના એક બનાવમાં ઠાર માર્યો હતો અને ત્યારથી વાયનાડમાં હાઈએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

વાયનાડ પહાડી જિલ્લો છે અને રાહુલ ગાંધી આ સ્થળેથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હોવાથી આ સંસદીય મતક્ષેત્ર હવે હાઈ-પ્રોફાઈલ બની ગયો છે.

રાહુલ ગાંધીએ ગઈ 4 એપ્રિલે વાયનાડ આવીને એમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું અને જંગી રોડ શો પણ કર્યો હતો. એ વખતે એમની સાથે એમના બહેન અને કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ હતાં.

રાહુલના માતા અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી તતા પ્રિયંકા ગાંધી વાયનાડમાં મુલાકાતે આવે એવી ધારણા છે.