લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે

નવી દિલ્હી – આ વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે એવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

લોકસભાની વર્તમાન મુદત 3 જૂને પૂરી થાય છે. એ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ.

ચૂંટણી પંચ નક્કી કરી રહ્યું છે કે આ વખતે ચૂંટણી કેટલા તબક્કામાં યોજવી અને મતદાન કયા મહિનામાં યોજવું.

સુરક્ષા દળોની ઉપલબ્ધિ તથા અન્ય જરૂરિયાતોને આધારે ચૂંટણી પ્રક્રિયાના તબક્કા વિશે નિર્ણય લેવામાં આવશે.

આ વખતની ચૂંટણીની પ્રક્રિયા-કવાયત પણ વિશાળ પાયે હશે.

સૂત્રોનું કહેવું છે કે આ વખતની લોકસભા ચૂંટણી 6-7 તબક્કામાં યોજાશે.

એવી પણ શક્યતા છે કે લોકસભાની ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવી.

જમ્મુ અને કશ્મીરમાં વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું છે એટલે ત્યાં પણ છ મહિનામાં નવેસરથી ચૂંટણી યોજવી પડશે.

જમ્મમુ-કશ્મીર વિધાનસભાનું ગયા વર્ષના નવેંબરમાં વિસર્જન કરી દેવાયું હતું અને એની અપર લિમિટ મે મહિનામાં પૂરી થશે. સામાન્ય સંજોગોમાં આ વિધાનસભાની મુદત 2021ની 16 માર્ચે પૂરી થાત. સિક્કીમ વિધાનસભાની મુદત 2019ની 27 મેએ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાઓની મુદત અનુક્રમે આ વર્ષની 18, 11 અને 1 જૂને પૂરી થાય છે.

ગઈ વેળાની લોકસભા ચૂંટણી…

2004ઃ મતદાનના તબક્કાની પહેલી તારીખ 20 એપ્રિલ હતી, આખરી તારીખ 10 મે હતી

2009ઃ પાંચ તબક્કાની ચૂંટણી 16 એપ્રિલથી શરૂ થઈ હતી અને 13 મેએ પૂરી થઈ હતી

2014ઃ પહેલા તબક્કાનું મતદાના 7 એપ્રિલથી શરૂ થયું હતું, આખરી તબક્કાનું મતદાન 12 મેએ પૂરી થયું હતું