કોંગ્રેસની 7મી યાદી જાહેર, રાજ બબ્બરની બેઠક બદલાણી

નવી દિલ્હી– લોકસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસ ભાજપની સરખામણી આગળ ચાલી રહી છે. કોંગ્રેસે ગઈકાલે મોડી રાતે તેમના 35 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. પ્રદેશ પાર્ટી અધ્યક્ષ રાજ બબ્બર મુરાદાબાદની જગ્યાએ ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે. પહેલાં મુરાદાબાદથી રાજ બબ્બરની જાહેરાત કરી હતી. પરંતુ હવે મુરાદાબાદની બેઠક પર પાર્ટીએ ઇમરાન પ્રતાપગઢીને ઉતાર્યા છે.

પાર્ટીએ પૂર્વ કેન્દ્રીયપ્રધાન રેણુકા ચૌધરીને તેલંગાણાના ખમ્મામથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન કરણ સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને જમ્મુ કશ્મીરના ઉધમપુરથી ટિકિટ આપી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં છત્તીસગઢ 4, જમ્મુ કશ્મીર 3, ઓડિશા 2, તામિલનાડુ 8, ત્રિપુરા 2, મહારાષ્ટ્ર 5, ઉત્તર પ્રદેશ 9, પોંડુચેરી અને તેલંગાણામાં 1 1 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની સાતમી યાદીમાં ઉત્તર પ્રદેશની મુરાદાબાદ સીટ ઉપરાંત બિજનૌર બેઠક પર પણ ઉમેદવારને બદલવામાં આવ્યો છે. બિજનૌરથી હવે ઈન્દિરા ભાટીની જગ્યાએ નસીમુદીન સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે.

મહત્વનું છે કે, કોંગ્રેસે તેની બીજી યાદીમાં જ રાજ બબ્બરને મુરાદાબાદથી ટિકિટ આપી હતી, પરંતુ યાદી જાહેર થયાં બાદ એવી ચર્ચા ચાલી હતી કે, રાજ મુરાદાબાદથી ચૂંટણી લડવા નથી ઈચ્છતા, પરંતુ તે ફતેપુર સીકરીથી મેદાનમાં ઉતરવા માગે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલ યાદીમાં તમામ કદાવર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી માટે પણ 54 ઉમેદવારોની યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણીની સાથે સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશાનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.

ઓડિશામાં વિધાનસભાની 147 બેઠકો છે. જેને લઈને કોંગ્રેસે આજે 54 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અહીં ચાર તબક્કામાં મતદાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ યોજાશે.

ઓડિશામાં મુખ્યપ્રધાન નવીન પટનાયકના નેતૃત્વ વાળી બીજુ જનતા દળ (બીજદ) ફરી એક વખત સત્તા પર વાપસી કરવાની કોશિશમાં છે, ત્યારે બીજેપી અને કોંગ્રેસ તેમને હરાવવાની તૈયારીમાં કામે લાગી છે. બીજદે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે મોટો દાવ રમતા 33 ટકા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. જેની સીધી અસર બીજેપી અને કોંગ્રેસની રણનીતિઓ પર પડી શકે છે. ગત ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજદની જીતનું એક મોટું કારણ તેમણે મહિલાઓનું સમર્થન પણ માનવામાં આવી રહ્યું છે.