લોકસભા ચૂંટણી 7-તબક્કામાં; 11 એપ્રિલ-19 મે સુધી મતદાન પ્રક્રિયા, 23 મેએ પરિણામ

નવી દિલ્હી – ચૂંટણી પંચે આ વખતની લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે. કુલ 545માંથી 543 બેઠકો માટેની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી, એમ કુલ સાત તબક્કામાં યોજાશે. મતલબ કે દેશભરમાં લોકો 11 એપ્રિલથી 19 મે સુધી મતદાન કરી શકશે. પરિણામ 23 મેએ ઘોષિત કરવામાં આવશે. મતદાનના સાત તબક્કા છેઃ 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મે. તમામ સાતેય તબક્કાઓની મતગણતરી 23 મેએ કરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. બે બેઠક એન્ગ્લો-ઈન્ડિયન કમ્યુનિટી માટે અનામત રાખવામાં આવી છે. એને રાષ્ટ્રપતિ નોમિનેટ કરતા હોય છે.

ભારતના વડા ચૂંટણી કમિશનર (23મા) સુનીલ અરોરાએ અહીં વિજ્ઞાન ભવન ખાતે આજે સાંજે પાંચ વાગ્યે બોલાવેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેતાં તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણીને લગતી આચારસંહિતા આજથી જ અલમમાં આવી ગઈ છે. વર્તમાન 16મી લોકસભાની મુદત 3 જૂને પૂરી થાય છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે 7 એપ્રિલથી 12 મે વચ્ચે મતદાન થયું હતું.

વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કરેલી મુખ્ય જાહેરાતોઃ

આ વખતની ચૂંટણીમાં 10 લાખ પોલિંગ બૂથ ઊભાં કરાશે. ગઈ વેળાની, 2014ની ચૂંટણીમાં 9 લાખ પોલિંગ બૂથ હતા.

આ વખતની ચૂંટણીમાં 90 કરોડ લોકો વોટિંગ કરશે. 2014ની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં 8 કરોડ 43 લાખ મતદારો વધ્યા છે. આમાં દોઢ કરોડ મતદારો 18-19ના વય જૂથના છે.

આ વખતની ચૂંટણીમાં મતદારોને NOTAનો વિકલ્પ આપવામાં આવશે.

આ વખતની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) પર ઉમેદવારનો ફોટો રહેશે. ચૂંટણીમાં પહેલી જ વાર VVPAT (વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

મતદાન પ્રક્રિયા સરળતાભરી બની રહે એ માટે ઈવીએમ બેલટ પેપર પર ઉમેદવારોના ફોટા દર્શાવાશે જેથી મતદાર જાણી શકે કે પોતે કોને વોટ આપે છે.

મતદાર એના વિસ્તારના ઉમેદવારોને ઓળખી શકે એ માટે બેલ્ટ પેપર પર ઉમેદવારની તસવીર પ્રિન્ટ કરાશે જે ઈવીએમ (બેલટ યુનિટ) તથા પોસ્ટલ બેલટ પેપર્સ પર ડિસ્પ્લે થશે.

ઘણી વાર એક જ મતવિસ્તારમાં સરખા નામ ધરાવતા ઉમેદવારો હોય છે ત્યારે મતદારો માટે ગુંચવણ ઊભી થતી હોય છે. હવે ઉમેદવારોએ રિટર્નિંગ ઓફિસરને સ્ટેમ્પ સાઈઝના ફોટા આપવાના રહેશે.

લોકસભાની 543 બેઠકો માટે ચૂંટણી યોજાશે. દેશભરમાં એ માટે 10 લાખ જેટલા પોલિંગ બૂથ ઊભાં કરવામાં આવે એવી ધારણા છે.

આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે. આ રાજ્યોમાં, લોકસભાની ચૂંટણી અનુસારનો જ મતદાન શેડ્યૂલ રહેશે. સિક્કીમ વિધાનસભાની મુદત આ વર્ષની 27 મેએ પૂરી થાય છે જ્યારે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભાઓની મુદત અનુક્રમે 18 જૂન, 11 જૂન અને 1 જૂને પૂરી થાય છે.

તબક્કાવાર વહેંચણી

પહેલા તબક્કામાં – 20 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 91 બેઠકો માટે મતદાન

બીજા તબક્કામાં – 13 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 97 બેઠકો માટે મતદાન

ત્રીજા તબક્કામાં – 14 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 115 બેઠકો માટે મતદાન

ચોથા તબક્કામાં – 9 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 71 બેઠકો માટે મતદાન

પાંચમા તબક્કામાં – 7 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 બેઠકો માટે મતદાન

છઠ્ઠા તબક્કામાં – 7 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 59 બેઠકો માટે મતદાન

સાતમા તબક્કામાં – 8 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 59 બેઠકો માટે મતદાન.

ગુજરાતમાં એક જ તબક્કામાં – 23 એપ્રિલે મતદાન

ગુજરાત સહિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં મતદાન પૂરું કરાશે. અન્ય 21 રાજ્યો છે – હરિયાણા, આંધ્ર પ્રદેશ, ગોવા, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કીમ, તેલંગાણા, તામિલનાડુ, ઉત્તરાખંડ, આંદામાન અને નિકોબાર, દમણ અને દિવ, દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, ચંડીગઢ.

ગુજરાતમાં, 23 એપ્રિલે મતદાન થશે.

બે તબક્કાના મતદાનવાળા રાજ્યોઃ કર્ણાટક, મણીપુર, રાજસ્થાન, ત્રિપુરા

3 તબક્કાના મતદાનવાળા રાજ્યોઃ આસામ, છત્તીસગઢ

4 તબક્કાવાળા મતદાનવાળા રાજ્યોઃ ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા

પાંચ તબક્કાવાળા મતદાનવાળું રાજ્યઃ જમ્મુ અને કશ્મીર

સાત તબક્કાવાળા મતદાનવાળા રાજ્યોઃ બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.

મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે મતદાનઃ

પહેલા તબક્કામાં 11 એપ્રિલે 7 બેઠકો પર મતદાન

બીજા તબક્કામાં 18 એપ્રિલે 10 બેઠકો માટે મતદાન

ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 બેઠકો માટે મતદાન

ચોથા તબક્કામાં, 29 એપ્રિલે 17 બેઠકો માટે મતદાન થશે

2014માં, પાંચમી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી અને નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું હતું. એ વર્ષે 16 મે સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી. નવા સભ્યોનો સોગંદવિધિ 4 જૂને યોજાયો હતો.

2014ની 16મી લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 સુધી, 9-તબક્કામાં યોજાઈ હતી. પરિણામ 16 મેએ જાહેર કરાયું હતું. એમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ ગ્રુપ વિજેતા બન્યું હતું. સત્તા મેળવવા માટે કોઈ પણ પાર્ટી કે પાર્ટીઓનાં સમૂહે ઓછામાં ઓછી 272 સીટ જીતવી પડે. ભાજપે એકલાએ જ 282 બેઠક જીતી લીધી હતી. ભાજપે કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી હતી અને તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દેશના 14મા વડા પ્રધાન બન્યા હતા. એમણે 26 મેએ હોદ્દાના શપથ લીધા હતા.

તે પહેલાં, 2009માં, લોકસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી – 16 એપ્રિલથી 13 મે. 2004માં, ચાર તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. એ બંને વખત કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ જૂથે સત્તા મેળવી હતી અને મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા હતા.