ચૂંટણી પહેલાં જ આ બેઠકો પર જીતી ગયું ભાજપ! રામ માધવે આપી જાણકારી

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પક્ષે ચૂંટણી લડ્યાં વગર જ ત્રણ બેઠકો પર વિજય મેળવી લીધો છે. લોકસભાની સાથે સાથે અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. વાસ્તવમાં રાજ્યની દિરાંગ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ફુરપા સેરિંગની બિનહરીફ જીત નક્કી જ છે. કારણ કે તેમની સામે મેદાનમાં ઉતરેલા બે ઉમેદવારોએ 28 માર્ચે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જોકે, ચૂંટણી પંચ તરફથી હજું સુધી આ મામલે કોઈ જાણકારી નથી આપવામાં આવી. ભાજપ મહાસચિવ રામ માધવે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

આ પહેલા 26 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજ્જુએ પણ જાણકારી આપી હતી કે, રાજ્યની આલો ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર કેન્ટો જિનિ બિનહરિફ નિર્વાચિત થયાં છે.

તમને જણાવી દઈએ કે, અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે 60 વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. 11 એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 25 માર્ચ હતી. અને નામ પરત ખેંચવાની તારીખ 28 માર્ચ હતી.  આલો ઈસ્ટ બેઠક પર માત્ર ભાજપના જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અન્ય બે સીટો પર હરીફ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

ભાજપના ત્રીજા ઉમેદવારે જે બિનહરીફ ઉમેદવારી નોંધાવી છે, તેમનું નામ તાબા તેદિર જે યાચૂલી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવ્યાં હતાં.