દિલ્હીમાં નહીં લાગુ કરવામાં આવે ‘ઓડ-ઈવન’ : કેજરીવાલે નિર્ણય રદ કર્યો

નવી દિલ્હી- રાજધાનીમાં સતત વધી રહેલા એર પોલ્યૂશનને ધ્યાનમાં રાખી કેજરીવાલ સરકાર દ્વારા વાહનોમાં ઓડ-ઈવન પદ્ધતિ લાગુ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને કેટલાક દિવસથી વિવાદ પણ ચાલી રહ્યો હતો. આ મામલે ગત બે દિવસથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT) દ્વારા સુનાવણી પણ કરવામાં આવી હતી.

બીજા દિવસની સુનાવણી બાદ NGTએ સોમવાર 13 નવેમ્બરથી દિલ્હીમાં કેટલીક શરતો સાથે કેજરીવાલ સરકારને ઓડ-ઈવન લાગુ કરવા મંજૂરી આપી હતી. પરંતુ દિલ્હીના ટ્રાન્સપોર્ટ પ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, દિલ્હી સરકાર 13 નવેમ્બરથી ઓડ-ઈવન લાગુ નહીં કરે અને આ મામલે ફરીવાર તેઓ NGTમાં જશે.

શનિવારે સુનાવણી દરમિયાન NGTએ દિલ્હી સરકારની ટીકા કરી હતી અને કેટલાક સવાલો અંગે સ્પષ્ટતા પણ માગી હતી. ત્યારબાદ કેટલીક શરતોને આધીન ઓડ-ઈવન લાગુ કરવા મંજૂરી આપી હતી. NGTએ દિલ્હીમાં સોમવારથી પાંચ દિવસ માટે ઓડ-ઈવન લાગુ કરવા પરવાનગી આપી હતી.

જોકે આ વખતે NGTએ ટૂ-વ્હીલર ચાલકો, મહિલાઓ અને VVIP પ્રધાનોને પણ છૂટ આપવાથી ઈનકાર કર્યો હતો. જે અંગે કેજરીવાલ સરકારે NGTની તમામ શરતોનું પાલન કરી ઓડ-ઈવન લાગુ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ અંતે કેજરીવાલ સરકારે સોમવારથી દિલ્હીમાં ઓડ-ઈવન લગુ નહીં કરવાનો અને આ મામલે ફરીવાર NGTમાં જવાનો નિર્ણય કર્યો છે.