WiFiથી 100 ગણી વધુ સ્પીડ, ભારતમાં કરાઈ રહ્યું છે LiFiનું ટેસ્ટિંગ

નવી દિલ્હી- ભારતનું ‘ડિજિટલ ઈન્ડિયા’નું સપનું ત્યાં સુધી અધુરું છે જ્યાં સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટીની ગુણવત્તા ભારતમાં નબળી છે. સ્લો ઈન્ટરનેટ અને ખરાબ કનેક્ટિવિટીની સમસ્યાને દુર કરવા ભારતમાં લાઈફાઈ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જાણકારોનું માનીએ તો લાઈફાઈની સ્પીડ વાઈફાઈ કરતાં 100 ગણી વધુ હશે.લાઈફાઈ એક એવી ટેકનોલોજી છે જે કનેક્ટિવિટીના મામલામાં વાઈફાઈ કરતાં 100 ગણી વધુ ઝડપી છે. લાઈફાઈ LED બલ્બથી કામ કરે છે. આ ટેકનોલોજી અંતર્ગત તમારા ઘરમાં લગાવવામાં આવેલા LED બલ્બ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સમિટ કરશે અને તેના માટે બ્રોડબેન્ડ અથવા વાઈફાઈની પણ જરુર નહીં પડે.

મળતી માહિતી મુજબ ભારત સરકાર આ ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરી રહી છે જેથી તેને જલદી ઉપયોગમાં લાવી શકાય. સૂત્રોનું માનીએ તો હાલમાં IT વિભાગ દ્વારા LiFiના (Light Fidelity) પાયલટ પ્રોજેક્ટને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 10 GBPSની સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરવા LED બલ્બ અને લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. LiFiની કનેક્ટિવિટી રેન્જ પણ WiFiની સરખામણીમાં વધુ હોય છે. LiFiની રેન્જ 1 કિમી સુધીની હોય છે.

ભારતમાં દરેક જગ્યાઓ પર કેબલ લાઈન દ્વારા કનેક્ટિવિટી પહોંચાડવામાં ઘણી અસુવિધા થાય છે. જેથી સરકાર ઈચ્છે છે કે, LiFi દ્વારા એવા વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવે જ્યાં ફાઈબર કનેક્ટિવિટી શક્ય નથી.