ગાંધી પરિવારની બહારની વ્યક્તિને પક્ષ પ્રમુખ બનાવવાનો કોંગ્રેસને મોદીનો પડકાર

અંબિકાપુર (છત્તીસગઢ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ પાર્ટીને પડકાર ફેંક્યો છે કે ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પક્ષના પ્રમુખ બનાવો.

મોદીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવારની બહારની કોઈક વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પક્ષપ્રમુખ બનાવે તો હું માનીશ કે પંડિત જવાહરલાલ નેહરૂએ પાર્ટીમાં ખરેખર લોકતાંત્રિક પદ્ધતિ સ્થાપી હતી.

છત્તીસગઢમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થવાનું છે. એ પૂર્વેની એક ચૂંટણી સભામાં ભાષણ કરતાં મોદીએ કહ્યું કે હું એમને પડકાર ફેંકું છું. ગાંધી પરિવારની બહારના હોય એવા કોઈક સારા કોંગ્રેસી નેતાને પાંચ વર્ષ માટે પક્ષના પ્રમુખ બનાવો, તો જ હું કહીશ કે નેહરૂજીએ આ પાર્ટીમાં ખરેખર લોકતાંત્રિક પદ્ધતિની સ્થાપના કરી હતી.

મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરાં પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની ચાર પેઢીએ દેશ પર રાજ કર્યું છે અને દેશ માટે એમણે શું કર્યું એનો તેમણે હિસાબ આપવો જોઈએ. દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ભાષણ કરવાનો અધિકાર માત્ર એક જ પરિવારને છે એવું હવે જનતા માનવા તૈયાર નથી. ગરીબ લોકોની મુસીબતોને તમે સમજી ન શકો, એ તો કોઈ ચાવાળો જ સમજી શકે.

મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ જૂઠાણાં ફેલાવીને દેશને અંધારામાં રાખ્યો છે.