લશ્કરની ધમકી: કશ્મીરમાં સુરક્ષાદળો માટે અત્યંત મુશ્કેલ રહેશે વર્ષ-2018

શ્રીનગર- એક તરફ ભારતીય સેના કશ્મીર ખીણમાં આતંકવાદીઓનો સફાયો કરી રહી છે. બીજી બાજુ મુંબઈ હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ભારતીય સુરક્ષાદળોને પડકાર ફેંક્યો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ કહ્યું છે કે, કશ્મીર ખીણમાં ભારતીય સેના માટે વર્ષ-2018 મુશ્કેલ બની રહેશે.લશ્કરની કશ્મીર આધારિત ઓનલાઈન મેગેઝીનમાં સંગઠનના પ્રવક્તા ડૉ. અબ્દુલ્લા ગઝનવીનો ઈન્ટરવ્યૂ રજૂ કરવામાં આવ્યો છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ આ ઈન્ટરવ્યૂમાં ગઝનવીએ દાવો કર્યો છે કે, લશ્કર-એ-તૈયબા એ સામાન્ય માણસનો સંઘર્ષ છે અને સંગઠન જમ્મુ-કશ્મીરના લોકોની વિચારધારા રજૂ કરે છે. ઈન્ટરવ્યૂમાં ગઝનવીએ જણાવ્યું કે, વર્ષ-2018 કશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષાદળો માટે મુશ્કેલ બની રહેશે.

લશ્કરના પ્રવક્તા ગઝનવીએ ફરી એકવાર કશ્મીરની પરિસ્થિતિને ટેકો આપ્યો છે. ગઝનવીએ જણાવ્યું કે, કશ્મીરના સંઘર્ષનું સમર્થન કરવું એ પાકિસ્તાનની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે, જે વિભાજન વખતનો અધૂરો એજન્ડા છે.

આપને જણાવી દઈએ કે, કશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. વર્ષ 2017માં આ ઓપરેશન લોન્ચ કરાયા બાદ સુરક્ષાદળો અનેક આતંકવાદીઓનો સફાયો કરી ચૂક્યા છે. હવે રમઝાનમાં લાગૂ કરવામાં આવેલા યુદ્ધવિરામ બાદ સેનાએ ફરીવાર મોરચો સંભાળ્યો છે અને આતંકવાદીઓ સામે વધુ સખત કાર્યવાહી શરુ કરી છે.