અરુણાચલ બાદ પેંગોંગ સરોવર: ભારતીય સરહદમાં 6 કિમી ઘુસ્યા ચીની સૈનિકો

નવી દિલ્હી- અરુણાચલ પ્રદેશના અસફિલા વિસ્તારમાં ચીને પોતાનો દાવો કર્યા બાદ ઉભા થયેલા તણાવ વચ્ચે વધુ એકવાર ચીનની વિસ્તારવાદી નીતિ સામે આવી છે. મળતી માહિતી મુજબ, ચીની સૈનિકો લદ્દાખના પેંગોંગ સરોવર પાસે ભારતીય સરહદમાં 6 કિલોમીટર સુધી અંદર ઘૂસી આવ્યા હતા. ભારત-તિબેટ બોર્ડર પોલીસે (ITBP) ગૃહ મંત્રાલને સોંપેલી રિપોર્ટમાં ચીનની ઘૂસણખોરી અંગે વિગતવાર માહિતી આપી છે.ચીને લદ્દાખ સેક્ટરમાં આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા છે. ચીને ગત મહિને 20 વાર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ITBPએ ગૃહ મંત્રાલયને જે રિપોર્ટ સોંપી છે, તે મુજબ ચીને 28 ફેબ્રુઆરીના રોજ ઉત્તરી પેંગોંગ સરોવર પાસે ગાડીઓ દ્વારા ઘુસણખોરી કરી હતી. 7 માર્ચ અને 12 માર્ચ 2018ના રોજ પણ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. ITBPએ ચીનની આ ઘૂસણખોરીનો વિરોધ કર્યો હતો. પેંગોંગ સરોવર પાસે 3 જગ્યા પર ચીની સેનાએ ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીની સૈનિક 6 કિલોમીટર સુધી ભારતની સરહદમાં ઘૂસી આવ્યા હતા.

પેંગોંગ સરોવરના આ વિસ્તારમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો ઉપર પથ્થરમારો કર્યો હતો. મળતી માહિતી મુજબ આ વર્ષે પણ ચીની સૈનિકોએ પેંગોંગ સરોવરના ઉત્તર વિસ્તારમાં ITBPની ટીમ સાથે ટકરાવનો પ્રયાસ કર્યો હતો, જેને ITBPએ નિષ્ફળ બનાવ્યો હતો.