પ્રયાગરાજમાં શાહીસ્નાન સાથે કુંભ મેળાનો આરંભ; પીએમ મોદીએ કુંભ નિમિત્તે શુભેચ્છા આપી

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) – જેનું નામ અલાહાબાદમાંથી પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે તે આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આજે મકરસંક્રાંતિ પર્વ સાથે કુંભ મેળા-2019નો આરંભ થયો છે. અહીં પવિત્ર નદીઓ એવી – ગંગા, યમુના અને કાલ્પનિક સરસ્વતીનાં ત્રિવેણી સંગમ ખાતે પહેલા શાહી સ્નાન માટે આજે વહેલી સવારથી જ સાધુ-સંતો, શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો છે.

હિન્દુ શ્રદ્ધાળુઓ માટે કુંભ મેળાનું અનેરું મહત્ત્વ છે.

અનેક અખાડાઓનાં સાધુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાનનો લ્હાવો લીધો હતો.

કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. આ વખતનો કુંભ મેળો 55 દિવસ ચાલશે અને ચોથી માર્ચે સમાપ્ત થશે.

આ વખતના કુંભ મેળા માટે 12 કરોડ જેટલા લોકો પ્રયાગરાજની મુલાકાત લેશે એવી ધારણા છે. આજે પહેલા શાહી સ્નાનનો લાભ દોઢ કરોડ જેટલા લોકો લે એવી ધારણા છે.

કુંભ મેળા માટે પ્રયાગરાજમાં સલામતીનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આજે પહેલા શાહી સ્નાનનો આરંભ સવારે 5.15 વાગ્યે કરવામાં આવ્યો હતો. કુંભ મેળાની ઉજવણીમાં શાહી સ્નાનનું મહત્ત્વ છે. કુંભ મેળા દરમિયાન પવિત્ર સ્નાન માટે છ તારીખ નક્કી કરવામાં આવી છે જેમાંના ત્રણ દિવસ શાહી સ્નાનનાં હોય છે. બીજું શાહી સ્નાન 4 ફેબ્રુઆરીએ મૌની અમાસે તથા ત્રીજું અને છેલ્લું શાહી સ્નાન 10 ફેબ્રુઆરીના વસંત પંચમીના રોજ રહેશે. તે ઉપરાંત 21 જાન્યુઆરીએ પોષી પૂનમ, 19 ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા અને 4 માર્ચે મહાશિવરાત્રીના દિવસોએ પણ ગંગાસ્નાનનો મહિમા છે.

ભારતીય રેલવેથી લઈને ટેલિકોમ કંપનીઓ, એમ વહીવટીતંત્રમાં દરેક સ્તરે યાત્રાળુઓને શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે એવા પગલાં લેવામાં આવ્યા છે.

વડા પ્રધાન મોદીએ કુંભ મેળા આરંભ નિમિત્તે લોકોને શુભકામના આપી છે અને કુંભ મેળામાં સામેલ થવાની લોકોને ટ્વીટ મારફત વિનંતી કરી છે. મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે.

httpss://twitter.com/narendramodi/status/1084975311043710976