કેરળ હાઈકોર્ટે પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો

0
2293

કોચ્ચિ- કેરળ હાઈકોર્ટે પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. હાઈકોર્ટે પહાડી વિસ્તારમાં આવેલા ભગવાન અયપ્પાના પ્રસિદ્ધ મંદિરમાં પર્યાવરણને અનુરુપ યાત્રાને સુનિશ્ચિત કરવા આ પ્રતિબંધ મુક્યો છે. હાઈકોર્ટે જંગલમાં આવેલા આ પ્રખ્યાત મંદિર સાથે સંકળાયેલી કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ અથવા પેકેટ સહિતની કોઈપણ સામગ્રીના વેચાણ પર બે વર્ષ પહેલા જ પ્રતિબંધ મૂક્યો હતો.જસ્ટિસ પી.આર. રામચંદ્ર મેનન અને જસ્ટિસ દેવન રામચંદ્રનની ખંડપીઠે તેમના આદેશમાં જણાવ્યું કે, મંદિરના મુખ્ય પુરોહિત અથવા ટ્રસ્ટી દ્વારા નક્કી કરવામાં આવેલા અને જૈવિકરુપે નષ્ટ થઈ શકે તેવા ઉત્પાદનોને જ યાત્રાળુઓ પોતાની સાથે મંદિરમાં લઈ જઈ શકશે.

આ સંદર્ભે સબરીમાલા વિશેષ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ અહેવાલને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, આગામી નવેમ્બર મહિનામાં શરુ થતી મંદિરની વાર્ષિક યાત્રા દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધના અમલને લાગૂ કરવામાં આવે.

આ ઉપરાંત હાઈકોર્ટે અધિકારીઓને અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને પણ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના આદેશથી માહિતગાર કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, મંદિરનો ભૌગોલિક વિસ્તાર અને સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મદિરમાં યાત્રાળુઓ દ્વારા કરવામાં આવતો પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, મંદિરમાં વાર્ષિક યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.