કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્યાં, ચાર ધામ યાત્રા શરુ

દહેરાદૂનઃ કેદારનાથ મંદિરના દ્વારા આજે ખુલી ગયાં છે જેને લઇને શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. કેદારનાથ ધામના દ્વાર ખોલવાના પ્રસંગે હાજરી આપવા પહેલેથી જ હજારો ભક્તો ઉમટી પડ્યાં હતાં. સાથે જ 7 મેથી ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખુલવા સાથે ચાર ધામ યાત્રા શરુ થઈ ગઈ છે. લગભગ છ માસ સુધી યાત્રાળુઓ હિમાલયની ગિરિકંદરાઓમાં બિરાજતાં ચારધામના દર્શન કરી ઇશ્વર ભક્તિનો લહાવો લેશે.ઉત્તરાખંડમાં દર વર્ષે ઊનાળાની ઋતુમાં ચારધામ યાત્રાનું આયોજન થાય છે. આ ચારધામાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદરીનાથનો સમાવેશ થાય છે. ગંગા નદીનું ઉદગમસ્થાન ગંગોત્રી અને યમુના નદીના ઉદગમસ્થાન યમનોત્રી બંને ઉત્તરકાશી જિલ્લામાં છે.. બદરીવિશાલનું ધામ બદરીનાથ ચમોલી અને ભગવાન શિવનું પવિત્ર યાત્રાધામ કેદારનાથ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.સ્કંદ પુરાણ મુજબ ગઢવાલને કેદારખંડ કહેવાયો છે. જેનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારતના યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હતી તેમ માનવામાં આવે છે.. 8-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બાંધવામાં આવ્યું હતું. બદરીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણનો મળે છે. બદરીનાથ મંદિરનો વૈદિક કાલ-1750-500 ઇસવીસન પહેલાં-ના સમયમાં પણ અસ્તિત્વ હોવાના પુરાણોમાં જણાવાયું છે. કેટલીક માન્યતાઓ મુજબ અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.તો પુરાણો અનુસાર રાજા ભગીરથ ગંગાજીને ધરતી પર ઊતારી લાવ્યાં હતાં. પરંતુ ગંગોત્રીને જ ગંગામૈયાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે. ગંગા મંદિર વિશે જણાવાય છે કે ગોરખાઓએ 1790થી 1815 સુધી કુમાઉ-ગઢવાલ પર શાસન કરતાં હતાં તે દરમિયાન ગોરખા જનરલ અમરસિંહ થાપાએ ગંગોત્રી મંદિર બંધાવ્યું હતું. તેમ જ માનવામાં આવે છે કે ટીહરી ગઢવાલના મહારાજ પ્રતાપશાહે 1919માં યમનોત્રી મંદિર બંધાવ્યું હતું, પરંતુ તે ભૂકંપમાં નષ્ટ થઈ ગયું હતું. તે પછી મંદિરનું પુનઃનિર્માણ જયપુરના મહારાણી ગુલેરિયાએ 19મી સદીમાં કરાવ્યું હતું. યમુનોત્રીનો વાસ્તવિક સ્ત્રોત બરફનું એક સરોવર અને હિમનદી-ચંપાસર ગ્લેશિયર છે. આજે કેદારનાથ મંદિરના દ્વાર ખુલવા સાથે જ ચારધામ યાત્રા પણ શરુ થવાથી લાખો ભક્તોનો પ્રવાહ ઉત્તરાખંડ તરફ દોટ મૂકશે જેને લઇને પર્યટન ઉદ્યોગને પણ હવે હાશકારો થયો છે.