કેદારનાથના પુનર્વિકાસનો મારો પ્રસ્તાવ કોંગ્રેસે ફગાવી દીધો હતોઃ પીએમ મોદી

કેદારનાથ (ઉત્તરાખંડ) – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા એ ૨૦૧૩ના જૂનમાં કેદારનાથ ધામ મંદિરનો પુનર્વિકાસ કરવાના કરેલા પ્રસ્તાવને નકારી કાઢવા અને પોતાને ઘમંડ દૂર કરવાની વળતી ટકોર કરવા બદલ આજે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

મોદીએ આજે કેદારનાથ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પાંચ માળખાકીય સવલત યોજનાઓ માટે શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. એમણે કહ્યું કે દિવાળી પર્વ બાદના દિવસે, ગુજરાતી નવા વર્ષના આરંભના દિવસે આ મંદિરની મુલાકાતે આવવા મળ્યું એ બદલ પોતે બહુ ખુશ છે.

મોદીના દાવા બાદ કોંગ્રેસના નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા અને આર.પી.એન. સિંહે કહ્યું હતું કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે ૨૦૧૩માં આવેલા પૂર બાદ કેદારનાથ ધામના પુનર્વિકાસ માટે રૂ. ૮૦૦૦ કરોડ મંજૂર કર્યા હતા. મોદી મંદિરમાં આવીને જૂઠ્ઠું બોલે છે.

વડાપ્રધાન મોદીએ આજે સંકલ્પ કર્યો હતો કે ભારત જ્યારે ૭૫મો આઝાદી દિવસ ઉજવશે એ ૨૦૨૨ની સાલ સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરવા પોતે સ્વયંને સંપૂર્ણપણે સમર્પિત કરી દેશે.

મોદીએ આજે કહ્યું કે, કેદારનાથમાં પૂરે તબાહી મચાવ્યા બાદ પોતે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ઉત્તરાખંડ ગયા હતા અને ગુજરાત સરકાર તરફથી મદદની ઓફર કરી હતી. ‘હું તે વખતના મુખ્યપ્રધાન (વિજય બહુગુણા)ને મળ્યો હતો અને કેદારનાથના પુનર્વિકાસ માટે ગુજરાતની મદદની ઓફર કરી હતી. મીટિંગમાં તેઓ કબૂલ થયા હતા અને મેં બહાર આવીને પત્રકારો સમક્ષ જાહેરાત પણ કરી હતી, પણ એ સમાચાર જ્યારે ટીવી પર ચમક્યા હતા અને દિલ્હી પહોંચ્યા ત્યારે ત્યાંના લોકો (યુપીએ સરકાર)માં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અમુક કલાકોમાં જ રાજ્ય સરકાર પર એવી જાહેરાત કરવાનું દબાણ આવ્યું હતું કે કેદારનાથનો વિકાસ રાજ્ય સરકાર પોતે જ કરશે.’