કઠુઆમાં બળાત્કાર-હત્યાકાંડઃ ભાજપના બે પ્રધાને રાજીનામું આપ્યું

0
1667

શ્રીનગર – કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી આસીફાના ગેંગરેપ અને હત્યાના કેસના આરોપીઓના ટેકામાં યોજાયેલી એક રેલીમાં જેમના ભાગ લેવાથી વિવાદ સર્જાયો હતો એ ભારતીય જનતા પાર્ટીના બે પ્રધાને રાજીનામું આપી દીધું છે. એમણે પોતાનું રાજીનામું પક્ષના જમ્મુ-કશ્મીર રાજ્ય એકમના પ્રમુખ સત શર્માને સુપરત કરી દીધું છે.

શર્માએ રાજીનામાનાં પત્રો મળ્યાને સમર્થન આપ્યું છે.

શું તમે આ પ્રધાનોના રાજીનામાના પત્રો મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીને સુપરત કરશો ખરા? એવા સવાલના જવાબમાં શર્માએ કહ્યું કે, આવતીકાલે, શનિવારે જમ્મુમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળવાની છે અને એમાં આ મામલે ચર્ચા કરવામાં આવશે.

આ બે પ્રધાન છે – ચૌધરી લાલસિંહ (વન મંત્રાલય) અને ચંદર પ્રકાશ (ઉદ્યોગ મંત્રાલય).

વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે માગણી કરી છે કે મેહબૂબા બંને પ્રધાનને બરતરફ કરે.

બળાત્કારનો ભોગ બનેલી અને હત્યા કરાયેલી બાળકી બકરવાલ મુસ્લિમ સમુદાયની હતી. એની હત્યાનો બનાવ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે.

આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને એણે આઠ જણની ધરપકડ કરી છે. એમાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર અને એક હેડકોન્સ્ટેબલ છે. આ ત્રણેય પર આરોપ છે કે એમણે પુરાવાનો નાશ કર્યો છે.