J&K: સેનાએ હિજબુલના 5 આતંકી ઠાર માર્યા, DGPએ કહ્યું ‘ગુડ જોબ બોય્ઝ’

શ્રીનગર- જમ્મુ કશ્મીરના શોપિયા જિલ્લાના કિલૂરા વિસ્તારમાં ભારતીય સેનાના જવાનોએ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. કિલૂરા વિસ્તારમાં ભારતીય સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે એન્કાઉન્ટર શરુ થયું હતું. આ વિસ્તારમાં હજી પણ કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે.માહિતી મળ્યા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. એન્કાઉન્ટરમાં સેનાને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઠાર કરવામાં પણ સફળતા મળી છે. ઉપરાંત આજે સવારે થયેલા ફાયરિંગમાં પણ ચાર અન્ય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સેનાએ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જે કમાન્ડરને ઠાર માર્યો છે તેની બોડીનો કબજો મેળવી લીધો છે. તેની ઓળખ ઉમર મલિક તરીકે કરવામાં આવી છે. ઠાર મરાયેલા આતંકી પાસેથી એક AK-47 રાયફલ પણ મળી આવી છે. ઉપરાંત શ્રીનગરમાંથી પણ હેન્ડ ગ્રેનેડ સાથે બે શકમંદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આતંકીઓને ઠાર કરાયા બાદ જમ્મુ-કશ્મીરના DGP એસ.પી. વૈદ્યે ભારતીય સેનાના જવાનોના કામના વખાણ કરતું ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, ‘શોપિયાના કિલૂરામાં એન્કાઉન્ટર સ્થળ પર ચાર અન્ય આતંકીઓની પણ બોડી મળી છે. ત્યારપછી ઠાર મરાયેલા કુલ આતંકીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે. ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ’.