ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરશે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ

નવી દિલ્હી- શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની 550મી જન્મ જયંતી વર્ષ 2019માં મનાવવામાં આવશે. પરંતુ તે પહેલાં જ કરતારપુર સાહિબનો મુદ્દો ભારત-પાકિસ્તાનની રાજનીતિમાં ગરમાયો છે. પહેલા પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી અને પછી ભારત સરકારે પણ કરતારપુર કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ રાખશે. આ દરમિયાન પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ ઉપસ્થિત રહેશે.આ પ્રોજેક્ટ અંતર્ગત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા માન ગામમાં ડેરા બાબા નાનક (પીંડ) અને કરતારપુર સાહિબ કોરિડોર તૈયાર કરવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, હરસિમરત કૌર બાદલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. બીજી તરફ 28 નવેમ્બરે પાકિસ્તાન પણ તેના વિસ્તારમાં કરતારપુર સાહિબ માટે કોરિડોરનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને 5 કિલોમીટર સુધીના વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.આઝાદી પછી કદાચ આ પહેલી વખત હશે જ્યારે કોઈ રોક-ટોક વગર લોકો બોર્ડર પાર કરી શકશે. આ જ કારણ છે કે આ કોરિડોરને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતીની નવી આશા તરીકે જોવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જણાવ્યું હતું કે, કોણે વિચાર્યું હતું કે બર્લિનની દિવાલ તૂટી શકે છે અને આ કોરિડોર માત્ર એક માર્ગ નહીં પરંતુ બંને દેશો વચ્ચે સંબંધોનો સેતુ બની રહેશે.ઉલ્લેખનીય છે કે, શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીએ કરતારપુરમાં પોતાના જીવનના છેલ્લા થોડા વર્ષો પસાર કર્યા હતા. અહીં એક ગુરુદ્વારા છે, જે કરતારપુર સાહિબ તરીકે ઓળખાય છે. આ ભારત-પાકિસ્તાન સરહદથી ચાર કિમી દૂર આવેલું છે.