દિલ્હી કરોલ બાગની હોટેલમાં અગ્નિકાંડઃ મરણાંક 17, હોટેલમાલિક સામે FIR

નવી દિલ્હી – કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન કે.જે. અલ્ફોન્સે આજે બપોરે અહીંના કરોલ બાગ વિસ્તારની અર્પિત પેલેસ હોટેલની મુલાકાત લીધી હતી જ્યાં આજે વહેલી સવારે લાગેલી ભયાનક આગે 17 જણનો ભોગ લીધો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં અલ્ફોન્સે કહ્યું કે હોટેલમાં બહાર નીકળવાનો માર્ગ ખૂબ જ સાંકળો હતો, વળી, બંધ કરી દેવામાં આવ્યો હતો.

અલ્ફોન્સે વધુમાં કહ્યું કે હોટેલની અંદર લાકડાનાં માળખા ખૂબ જ પ્રમાણમાં હતા. એને કારણે આગ પ્રસરી હતી. હોટેલે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની એમને ખાતરી છે.

પ્રધાને કહ્યું કે, હું જ્યારે ઈમરજન્સી એક્ઝિટ તરફ જતો હતો ત્યારે મેં જોયું કે એ ગઈ કાલ રાતથી જ બંધ કરી દેવાયો હતો. વળી, એ ખૂબ જ સાંકળો છે. દેખીતી રીતે જ, લોકો આ ઈમરજન્સી દરવાજે આવુ્યા હશે તે છતાં એમને અહીંથી ભાગવાનો મોકો મળ્યો નહીં હોય, કારણ કે એ ખૂબ જ સાંકળો છે અને કોઈક રીતે બંધ પણ રખાયો હતો.

અગ્નિશામક દળના જણાવ્યાનુસાર, આગની ઘટનામાં 35 જણ ઘાયલ થયા છે.

આગ લાગી હતી ત્યારે હોટેલમાં 60 જેટલા લોકો હતા અને એ બધા નીંદરમાં હતાં.

દરમિયાન, આગની ઘટનાને પગલે હોટેલના માલિક શુભેન્દુ ગોયલ સામે પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી છે.

પ્રાથમિક સ્તરની તપાસ અનુસાર, આ ઈરાદાપૂર્વકની બેદરકારીનો કેસ બને છે. હોટેલના માલિક ઉપરાંત જનરલ મેનેજર અને મેનેજરને પણ અટકમાં લેવામાં આવ્યા છે.

વહેલી સવારે લગભગ 4 વાગ્યે લાગેલી આગ આશરે 7 વાગ્યે કાબૂમાં આવી હતી. અગ્નિશામક દળને 4.35 વાગ્યે કોલ આવ્યો હતો અને જવાનો 24 બંબાઓ સાથે તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા.

મૃત્યુ પામેલાઓમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે, જેઓ એક બારીમાંથી કૂદવા જતાં માર્યા ગયા હતા.